'રુપાણીને રમતા મુક્યા, રંજનબેનને રડાવ્યા...', પરેશ ધાનાણીએ કવિતા લખીને ભાજપ પર કર્યા પ્રહાર
Gujarat Politics : લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબરનો જામી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ 'X' પર ભાજપ પર પ્રહાર કરતા એક કવિતા લખી હતી. ત્યારબાદ તેના જવાબમાં યજ્ઞેશ દવેએ જવાબ આપ્યો હતો.
ભાજપમાં આંતરિક વિરોધ, દિગ્ગજોની ટિકિટ કપાવા જેવા મુદ્દાઓને સાંકળીને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે. પરેશ ધાનાણીએ ટ્વિટર (X) પર 'કમલમમાં કકળાટ...2004નું પુનરાવર્તન પાક્કું.!' શીર્ષક સાથે ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ ધાનાણીએ બીજું ટ્વિટ કર્યું છે જેનું શીર્ષક છે "હા પાડીને, હેઠા બેસાડયા". જેમાં પણ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે.
જેના જવાબમાં યજ્ઞેશ દવેએ લખ્યું કે, કોંગ્રેસ ટનાટન નહીં કોંગ્રેસ 'ના' પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન.
ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ ફરી એકવાર ટ્વીટ કરીને ચકચાર મચાવી છે. 'શિસ્તબદ્ધ' કહેવાતી ભાજપમાં કેટલીક બેઠકો પર આંતરિક અસંતોષ સામે આવી રહ્યો છે. જેને લઈને ભાજપ ટેન્શનમાં મૂકાયું છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આ ઘટનાક્રમોને લઈને મજા લઈ રહ્યા છે.
પાર્ટી છોડીને જનારાની નહીં થાય ઘર વાપસી : પરેશ ધાનાણી
કોંગ્રેસ છોડીને જનારા કાર્યકરોને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટકોર કરી હતી. અમરેલીમાં કાર્યકરોને સંબોધતા દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસ છોડી જનારને હવે પરત લેવાના નથી. અમરેલીએ જ્યારે કરવટ બદલી ત્યારે ગુજરાતે સમર્થન આપ્યું છે. 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું છે. આ ચૂંટણી ઉમેદવાર નહીં કાર્યકર લડી રહ્યો છે. અરવલ્લી-સાબરકાંઠામાં ભાજપનાં કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા.'