જગદીશ ઠાકોર બાદ કોંગ્રસના વધુ એક દિગ્ગજ નેતાની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસના નેતા પક્ષથી દૂર થઈ રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે ‘X’ પર આ અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે, અગાઉ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
ભરતસિંહ સોલંકીએ X પર શું લખ્યું?
ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું, 'મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ- કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.'
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ
ઉલ્લેખનીય છે, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મૂળુ કંડોરિયા સહિતના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સોમવારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો: ભાજપમાં ભરતી મેળો, BTP નેતા મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલના કેસરિયા