'રાહુલ ગાંધીએ નકલી હિંદુઓને ખુલ્લા પાડ્યા', ગુજરાત કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Congress leader Amit Chavda


Congress leader Amit Chavda Condemns BJP: અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર આજે (બીજી જુલાઈ) બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો તોડફોડ કરી હતી. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે સરકાર પર ગંભીર અક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરીને નકલી હિંદુઓને ખુલ્લા પાડ્યા છે. તેમણે દેશની સંસ્કૃતિને ભગવાન શિવના ઉદાહરણ સાથે વાત કરી.' 

ભાજપના લોકો હિંસા ફેલાવે છે: અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ ભાગલા પડવાની નીતિને ખુલ્લી પાડી છે અને સાચો હિંદુ કોઈને ડરાવતા કે ધમકાવતા નથી. પરંતુ ભાજપના લોકો હિંસા ફેલાવે છે, સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણનો અમુક જ ભાગ બતાવી રહ્યા છે અને ડરી જઈને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે.'

ગંભીર આક્ષેપો લગાવતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'અસામાજિક તત્ત્વો દ્વારા પાલડી ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના ચોકીદારની સગર્ભા દીકરી પર હુમલો કર્યો છે. અમને ડરાવવાનાનો પ્રયત્ન કરવામાં આવે પણ અમે ડરતાં નથી.

રાહુલ ગાંધીના લોકસભાના ભાષણને ટાંકીને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવિશું. તમે સામી છાતીએ આવો અમે સંવિધાન, સત્ય અને અહિંસા સાથે લડીશું. આવનાર સમયમાં ભાજપને ગુજરાતમાં હરાવી છે.' આ ઉપરાંત તેમણે સરકાર સામે માંગ કરી કે 'સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.'

જાણો શું છે મામલો

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો. તેમણે કહ્યું કે, 'મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આ ડરતો નથી. આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે-  ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.' 

ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો

રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ​​ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.' જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'X' પર લખ્યું, 'રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.'


Google NewsGoogle News