દેશના સૌથી મોટા લોકસભા વિસ્તારમાં કોંગ્રેસને 33 વર્ષથી જીતનો ઈન્તજાર, 2024માં ભાજપ ઉમેદવાર ત્રીજી વાર રિપીટ
આ બેઠક પર સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે
Lok Sabha Elections 2024 : ભારતીય ચૂંટણી પંચે શનિવારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. દેશમાં સાત તબક્કામાં મતદાન થશે, જેમાં ગુજરાતમાં એક જ તબક્કામાં 26 લોકસભાની બેઠકો માટે મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થશે. લોકસભાની ગુજરાતની 26 બેઠકો પૈકી કચ્છ બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી છે અને ક્રમ પ્રમાણે પણ પહેલી છે. આ બેઠક લગભગ અઢી દાયકા જેટલા સમયથી ભાજપનો ગઢ રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલા ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભાજપે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે નવા ચહેરાને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે અહીં નીતિશ લાલનને ટિકિટ આપી છે. આ બેઠક પરથી વિનોદ ચાવડા છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને ભાજપે તેમના પર ત્રીજી વખત વિશ્વાસ મુક્યો છે.
આ બેઠક પર 1952માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી
કચ્છમાં પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચુંટાયા હતાં. ગુજરાતમાં 26 સીટ પૈકી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબજામાં છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં નજર કરીએ તો કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009માં પૂનમબેન જાટ ચૂંટાયા હતા. લોકસભા 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે હરી ગયા હતા. 2019માં ફરી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો હતો. 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીની હાર થઈ હતી.
કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન
• ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત રિપીટ કર્યા
• 2019માં વિનોદ ચાવડાને 6,37,034 મત મળ્યા હતા, જ્યારે નરેશ મહેશ્વરીને 3,31,521.
• ભાજપ ઉમેદવારને 62.26 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 32.40 મત મળ્યા હતા.
• એ વર્ષે બસપા, અપક્ષમાં પણ સરેરાશ આઠ હજારથી વધુ મત મળ્યા હતા
• એટલે કે આ બેઠક પર થોડા મતોનો ઉલટફેર પણ ગમે તે પક્ષની બાજી પલટાવી શકે છે
લોકસભા 2014ની ચૂંટણીમાં જાણો શું થયું હતું?
• લોકસભા 2014માં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના દિનેશ પરમાર હતા
• 2019માં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,62,855 મત મળ્યા હતા, જ્યારે દિનેશ પરમારને 3,08,373.
• ભાજપ ઉમેદવારને 59.40 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 32.55 મત મળ્યા હતા.
• 2014માં બસપા, આપ, અપક્ષ અને નોટાને કુલ 75 હજારથી પણ વધુ મત મળ્યા હતા
કચ્છ લોકસભા બેઠકની વિશેષતા
સિંધુ સંસ્કૃતિના પ્રતિકસમા ધોળાવીરાએ કચ્છને વૈશ્વિક ઓળખ અપાવી છે તો કચ્છી ભરતકામ, કચ્છી ઘોડી, કચ્છી કેસર કેરી સહિત અનેક કચ્છી ઓળખથી દેશ વાકેફ છે. કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પોતાની ભૌગોલીક વિવિધતા માટે જાણીતું છે. આ ઉપરાંત કચ્છનું જખૌ બંદર માછીમારી માટે આખા ગુજરાત અને ભારતમાં પ્રસિદ્ધ છે. કચ્છની બેઠકમાં સાત વિધાનસભા બેઠકના વિસ્તાર આવે છે જેમાં કચ્છની છ બેઠક અને એક મોરબીની બેઠકનો સમાવેશ થાય છે. કચ્છની માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર અને એક મોરબીની બેઠકનો સમાવેશ થાય છે.
આ બેઠક પર જ્ઞાતિનું મહત્ત્વ
કચ્છ બેઠક પર ક્ષત્રીય, દલિત, બ્રાહ્મણ, વણિક, લોહાણા, આહીર, ઓબીસી સમાજના લોકોનું વર્ચસ્વ છે. ત્યાર બાદ રબારી, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો વધારે સંખ્યામાં છે. આ બેઠક ઉપર લેઉઆ પટેલ, કડવા પટેલ મતદારોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે
2022ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છની તમામ બેઠક ભાજપના નામે
• અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
• અંજાર બેઠક પર ભાજપના ત્રિકમભાઈ છાંગાની જીત
• માંડવી બેઠક પર ભાજપના અનિરૂદ્ધ દવેની જીત
• ભુજ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલની જીત
• ગાંધીધામ બેઠક પર ભાજપના માલતીબેન મહેશ્વરીની જીત
• રાપર બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાીની જીત
કચ્છ બેઠક પર અત્યાર સુધીના વિજેતા ઉમેદવારો
વર્ષ | વિજેતા ઉમેદવારનું નામ | પક્ષ |
1952 (કચ્છ પૂર્વ) | ભવાનજી અર્જુન ખીમજી | કોંગ્રેસ |
1957 (કચ્છ પશ્ચિમ) | ભવાનજી અર્જુન ખીમજી | કોંગ્રેસ |
1962 | હિંમતસિંહજી | સ્વતંત્ર પક્ષ |
1967 | તુલસીદાસ એમ શેઠ | કોંગ્રેસ |
1971 | મહિપતરાય મહેતા | કોંગ્રેસ |
1977 | અનંત દવે | જનતા પાર્ટી |
1980 | મહિપતરાય મહેતા | કોંગ્રેસ |
1984 | ઉષા ઠક્કર | કોંગ્રેસ |
1989 | બાબુભાઈ શાહ | ભાજપ |
1991 | હરિલાલ નાનજી પટેલ | કોંગ્રેસ |
1996 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
1998 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
1999 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
2004 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
2009 | પૂનમબેન જાટ | ભાજપ |
2014 | વિનોદ ચાવડા | ભાજપ |
2019 | વિનોદ ચાવડા | ભાજપ |
કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપ આઠ જ્યારે કોંગ્રેસ સાત વખત જીતી છે
કચ્છ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાંથી 7 વખત કોંગ્રસના ઉમેદવારને કચ્છ લોકસભા બેઠકની જનતાએ પ્રતિનિધિ કરવાનો મોકો આપ્યો છે. જ્યારે 8 વખત ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત એક-એક વખત સ્વતંત્ર પક્ષ અને જનતા પક્ષના ઉમેદવાર પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ભાજપ તરફથી પ્રથમ વખત 1989ની ચૂંટણીમાં બાબુભાઈ શાહ ચૂંટાયા હતા. જ્યારે આ બેઠક પરથી સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 1996, 1998,1999,2004 એમ ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.
કચ્છમાં ધર્મ-જાતિનું ગણિત
ધર્મ |
ટકાવારી |
હિંદુ |
76.89% |
મુસ્લિમ |
21.14% |
જૈન |
1.21% |
અન્ય |
0.76% |