Get The App

વડોદરામાં પૂરના કારણે નાગરિકોને થયેલ નુકસાનના કારણે આ વર્ષે વેરામાંથી વેરા મુક્તિ આપવા કોંગ્રેસનો મોરચો

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પૂરના કારણે નાગરિકોને થયેલ નુકસાનના કારણે આ વર્ષે વેરામાંથી વેરા મુક્તિ આપવા કોંગ્રેસનો મોરચો 1 - image

image : social media

Vadodara : વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર મામલે પાલિકા તંત્ર શહેરીજનોને વેરા ભરવામાંથી આ વર્ષે મુક્તિ આપે અને નાના અને ગરીબ લારી ધારકોના દબાણના નામે ધંધો રોજગાર બંધ કરવાની કાર્યવાહી અટકાવવામાં આવે તે અંગે શહેર કોંગ્રેસ દ્વારા આજે પાલિકા ખાતે મળનારી સભા અગાઉ આવેદન આપવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત (ભથ્થું) શ્રીવાસ્તવ એક અખબારી નિવેદનમાં જણાવી રહ્યા છે કે, આ વર્ષે પાલિકા તંત્રના શાસનકારોના અનઆવડતના કારણે શહેરમાં માનવસર્જિત પૂરથી લોકોને પારાવાર નુકસાન થવા પામ્યું છે. એક નહીં પરંતુ બેથી ત્રણ વખત આવેલા માનવસર્જિત પૂરમાં લોકોને ખૂબ મોટે પાયે નુકસાન થયું છે. ખાસ કરીને ઝૂંપડામાં રહેતા અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અને ઘરવખરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે. આ મહાવિનાશક પૂરના કારણે લોકોને થયેલ નુકસાનમાં થોડી રાહત મળે તે માટે પાલિકા તંત્ર આગામી ડિસેમ્બર મહિનાથી જે વેરાના બિલ બજાવવાની કામગીરી કરવા કરવાનું છે તેવી કાર્યવાહી થવી ન જોઈએ અને નાગરિકોને એક વર્ષ માટે વેરામાંથી માફી આપવામાં આવે. ઉપરાંત તાજેતરમાં કોર્પોરેશન દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત અનેક ગરીબ અને લાચાર લારીધારકોના ધંધા રોજગાર બગડે તે રીતે પાલિકાનું તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. જેનાથી ગરીબ વર્ગને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એક તરફ પાલિકા તંત્ર વડાપ્રધાનની યોજનાના આધારે ગરીબ લારીધારકોને સસ્તા દરે લોન આપવાની કાર્યવાહી કરી રહ્યું છે અને બીજી તરફ પાલિકા તંત્રનું એનાથી તદ્દન અલગ વલણ જોવા મળી રહ્યું છે. ખોટી રીતે લારીધારકો સામે થઈ રહેલી કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ તેવી તેઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી.


Google NewsGoogle News