જામનગર કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના આડેધડ નિકાલ કરતાં કોંગી કોર્પોરેટરની જનતા રેડ, લગાવ્યા ગંભીર આક્ષેપો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગર કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના આડેધડ નિકાલ કરતાં કોંગી કોર્પોરેટરની જનતા રેડ, લગાવ્યા ગંભીર આક્ષેપો 1 - image


Jamnagar Municipal Corporation : જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મૂંગા ગૌવંશની દેખભાળ બરોબર થતી ન હોવાની સ્થિતિની જાણ થતાં રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત અને મદદનીશ નિયામકોએ જાત તપાસ કરીને રાજ્ય સરકારને રીપોર્ટ કર્યો છે. તેમ છતાં સ્થિતિ સુધરી ન હોય તેમ રોજના 10-12 પશુઓ હજુ પણ મૃત્યુ પામે છે. 

તેના મૃતદેહોના આડેધડ નિકાલ સાથે ગૌવંશના હાડકાનો કાળો કારોબાર એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ ઉપર ચાલતો હોવાનો આક્ષેપ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કરીને સ્થળની સ્થિતિની વીડિયો ગ્રાફી કરી ને વાયરલ કર્યો છે, જ્યારે આ મુદ્દો સંસદ સુધી પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરાઈ છે.

મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ રણજીતસાગર ડેમ નજીક આવેલા કોર્પોરેશનના ઢોરના ડબ્બા ખાતે જઈને પશુઓને કેટલી ખરાબ અને ગંદકીભરી દયનીય હાલતમાં રાખવામાં આવે છે. તેની વીડિયો ગ્રાફી સાથેની રજુઆત તંત્રને તો કરી હતી સાથે સાથે તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થિતિના વીડિયો વાયરલ કર્યા હતા.

ત્યારબાદ રાજ્યના કૃષિ અને પશુપાલન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની સૂચનાથી પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત સચિવ આર.એ.વાળા અને મદદનીશ નિયામક ડી.પી. પટેલ જામનગર આવ્યા હતા અને સ્થિતિનો રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો. તેમજ મહાનગરપાલિકાને સ્થિતિ સુધારવાની મરેલા પશુઓ માટે એક સ્મશાન ભઠ્ઠી બનાવવાની સુચના આપી હતી. 

ત્યારબાદ ગઈકાલે (બુધવારે) ઢોરના ડબા પર જનતા દરોડો કરનાર મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાની એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ પર જઈને સ્થિતિનો વિડિયો વાયરલ કર્યો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, પશુ મૃતદેહ નિકાલની ગાઈડલાઈનનો ભંગ ગણાય તે રીતે પશુને દફનાવતી વેળાએ મીઠું નાંખ્યા વગર પશુઓને એકબીજા પર નાંખી દેવામાં આવે છે, અને ખાડો પૂરી દેવામાં આવે છે.

 આ ઉપરાંત થોડા દિવસ પછી જે તે ખાડામાંથી પશુઓને બહાર કાઢી તેના હાડકા લઈ લેવામાં આવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. આ અંગે જનતા દરોડો કરનાર મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, દેશની સંસદમાં કોંગ્રેસના મહિલા સાંસદે ગૌ વંશનો મુદો ઉઠાવ્યો છે તેથી તેઓને પણ આ મામલે જાણ કરાઈ છે.


Google NewsGoogle News