'વડાપ્રધાન મોદી ગુજરાતી નથી...નથી...નથી..' કોંગ્રેસના ઉમેદવારના બફાટથી વિવાદ છંછેડાયો
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે અને આ બેઠકને લઈને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે હવે કોંગ્રેસ (Congress)ના વધુ એક નેતાએ વિવાદ ઉભો કરતું નિવેદન આપતા ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નવસારી (Navsari)ના ઉમેદવારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં આગામી સાતમી મેએ મતદાન થવાનું છે. અને આ માટે એક તરફ કોંગ્રેસ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને બિન ગુજરાતી ગણાવતા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
કોંગ્રેસના ઉમેદવારનો બફાટ
કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈએ શુક્રવારે ધરમપુરની સભા દરમિયાન નૈષધ દેસાઈએ બફાટ કર્યો હતો. નૈષધ દેસાઈએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિન ગુજરાતી ગણાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે નરેન્દ્ર મોદી ગુજરાતી નથી એમ ત્રણવાર રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોઈ કારણ કે સંદર્ભ વગર જ નૈષધ દેસાઈએ આ નિવેદન આપતા અનેક સવાલો ઉભા કર્યા છે.
શું કહ્યું નૈષધ દેસાઈએ ?
નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ (Naishadh Desai)એ સભામાં ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ' ગાંધીજી જ્યારે શહીદ થયા ત્યારે 'હે રામ' કહ્યું હતું, દુનિયાના મહાન રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી નથી...નથી.....નથી.' નોંધનીય છે કે ધરમપુરમાં આજે પ્રિયંકા ગાંધી (priyanka Gandhi)ની સભા છે જ્યાં નૈષધ દેસાઈએ આ પાયાવિહોણી વાત કરી હતી.