ડિસ્ટ્રીક્ટ બેન્કના આક્ષેપિત ભરતી કૌભાંડમાં ભાજપ સાથે કોંગ્રેસની પણ ભાગબટાઈ !
બેન્કના હોદ્દેદારો, ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ સગાને ગોઠવી દીધા, એટલે જ વિપક્ષ ચુપ
ગોપનિયતાના નામે ગુમરાહ કરવાનો પ્રયાસઃજિલ્લા રજિસ્ટ્રાર તપાસના નામે ડીંડક ચલાવતા હોવાનો વિદ્યાર્થી નેતાનો સણસણતો આક્ષેપ
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની ક્લાર્કની ભરતીમાં સગાવાદ,પરિવારવાદનો લુણો લગાડી બેન્કના હોદ્દેદારો, ભાજપના નેતાઓએ તેમના પુત્રો, ભાણેજ-ભત્રીજાઓને નોકરીમાં ગોઠવી દીધાના આક્ષેપ સાથે ગત ૨૫મી માર્ચે યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લા રજિસ્ટ્રારને પુરાવા અને કૌભાંડથી નોકરી મેળવનાર લોકોની યાદી સાથેનું લિસ્ટ આપી તપાસની માંગ કરી હતી.રજૂઆતના ૨૨ દિવસ બાદ નેતાએ આજે કચેરીએ જઈ ગેરરીતિનો તપાસ રિપોર્ટ માંગ્યો હતો અને તેમની ફરિયાદના આધારે આ પ્રકરણમાં કયા-કયા વિષય-વસ્તુ ઉપર તપાસ કરવામાં આવી ? તેની વિગતવાર માહિતી માંગી હતી. પરંતુ જિલ્લા રજિસ્ટ્રારે તપાસ શરૂ હોવાનું કહી સ્પષ્ટતા કરી ન હતી. જેથી રજિસ્ટ્રાર તપાસના નામે ડીડંક ચલાવી રહ્યા હોવાનું તેમણે આક્ષેપ કરતાં ઉમેર્યું હતું.
તેમણે આક્ષેપ કરતાં ઉમેર્યું કે, ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ૮૦ ક્લાર્કની જે ભરતી થઈ છે,તેમાં બેન્કના હોદ્દેદારો ઉપરાંત ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જિ.પં.ના પૂર્વ પ્રમુખ,માજી ધારાસભ્યના પુત્રના ભાગીદારના પરિવારજનો, જિલ્લા કોંગ્રેસના બે નેતા અને વર્તમાન બેન્ક ડાયરેકટર તથા બેન્કના બ્રાંચ મેનેજર, ભાજપ સંગઠનના પૂર્વ-વર્તમાન હોદ્દેદારના સંતાનો, ભત્રીજા-ભાણેજ અને સગા-સબંધીઓને ખાલી બેઠક પર ૫૦-૫૦ ટકા ભાગબટાઈથી નોકરી પર લેવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસ મગનું નામ મરી પાડતું નથી તેની પાછળ કોંગ્રેસના પણ આગેવાનોના ૧૫થી વધુ સગાને નોકરી અપાઈ હોય, ભાગબટાઈથી કૌભાંડ આચરી તેરી ભી ચુપ, મેરી ભી ચુપ રાખવામાં આવી રહી છે.ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકના સંચાલનકર્તાઓએ પોતાના સગા-સબંધીઓને નોકરી અપાવવા માટે બેન્કના હોદ્દેદારો, ભાજપ-કોંગ્રેસના સત્તાધિશોના સાથે રાખી એચ.આર. પોલીસી ઉપજાવી કાઢી, તેને આગળ ધરી કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાનું વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કરતાં ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ગોપનિયતાના ગતકડાના નામે કૌભાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભરતીમાં ગેરરીતિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવનાર બેન્કના ચેરમેન રસિક ભીંગડિયા નિષ્પક્ષ હોય તો તેમણે બેંકને બદનામ કરનાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. ચેરમેન જો એક જ માસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તો તેમનું અહીં કોઈ કામ નથી, રાજ્યના શિક્ષણમંત્રી બનાવી દેવા જોઈએ તેવો વિદ્યાર્થી નેતાએ અંતમાં ટોણો માર્યો હતો.
આગામી સપ્તાહે રિટ પીટીશન દાખલ કરીશું
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સહકારી આગેવાન અને બેંકના સભ્ય ભીખાભાઈ જાજડિયાએ હાઈકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકારી છે. જેની સુનવણી આગામી દિવસોમાં થશે. ત્યારે રાજ્ય રજિસ્ટ્રારે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ.તેમ જણાવી આ ભરતીમાં ઉમેદવારી કરનાર ૧૨૦૦ ઉમેદવારને સાથે રાખી આગામી સપ્તાહે કોર્ટમાં રિટ પીટીશન દાખલ કરવામાં આવશે તેમ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ઈંગ્લિશના એક શબ્દનો જવાબ નથી આવડતો છતાં જીએમને એક્સટેન્શન
ભાજપ શાસિત ડિસ્ટ્રીક્ટ બેન્કમાં જનરલ મેનેજરને એક્સટેન્શન આપવા મામલે પણ સવાલ ઉઠયા છે. નીતિ વિષયક નિર્ણય માટે જનરલ મેનેજર કાયમી હોવા જોઈએ. વર્તમાન જી.એમ. આરબીઆઈની ગાઈડ લાઈન મુજબ ફીટ અને લાયકાત ધરાવતા નથી. જી.એમ.ને ઈંગ્લિશમાં એક શબ્દનો જવાબ પૂછો તો પણ જવાબ નથી આપી શકતા તેમ છતાં ત્રણ વર્ષથી તેમને એક્સટેન્શન આપવામાં આવતું હોય, આ બાબતે પણ તપાસ કરવાની યુવરાજસિંહે માંગણી કરી હતી.