64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન તૈયારીમાં કોંગ્રેસ, 2027 માટે અત્યારથી કમર કસી?
Congress Adhiveshan In Gujarat : ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિને ટક્કર આપવા માટે કોંગ્રેસે અત્યારથી જ વિધાનસભા ચૂંટણી-2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન યોજવાની યોજના બનાવી છે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા, છતાં દર ચૂંટણીમાં તે સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.
1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું
અગાઉ 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે.
ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે.
આ પણ વાંચો : પરિવારની ત્રણ મહિલાની હત્યા કર્યા બાદ પુરુષનો આત્મહત્યાનો પ્રયાસ, કારણ ચોંકવાનારું
2020માં AAPએ પાંચ બેઠક જીતી હતી
જોકે અગાઉ મહારાષ્ટ્ર તેમજ દિલ્હીની વિધાનસભા સહિતની ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થતાં પાર્ટી બેકફુટ આવી ગઈ છે, જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું છે. તેથી કોંગ્રેસ અધિવેશન દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓનો જોશ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.
કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દુર
વર્ષ 1995 બાદ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ 100થી વધુ બેઠકો જીતતી રહી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. હવે કોંગ્રેસ ગુજરાતમાં પોતાના સારા દિવસો લાવવા માટે અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.