વડોદરા ફતેપુરા લારી-ગલ્લા હટાવવા ગયેલી દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ: એક મહિલાએ લારી આગળ બેસી જઈ વિરોધ કર્યો
વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ દ્વારા રસ્તાને નડતરરૂપ લારી-ગલ્લા હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારીઓ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું તે દરમિયાન એક મહિલાએ લારી ની આગળ નીચે બેસી જઈ વિરોધ કર્યો હતો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો હતો અને લારી ગલ્લા હટાવવાની કામગીરી ફરી શરૂ કરી હતી.
ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપર રસ્તા રેષામાં આવતા લારી, ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા લારી-ગલ્લાવાળાઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખીને રસ્તો ખૂલ્લો કર્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે વડોદરાના ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના માર્ગો ઉપર આડેધડ લારી-ગલ્લા સહિતના વધી ગયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા સવારથી કારેલીબાગ પોલીસ મથકના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરતા લારી-ગલ્લાવાળા એકઠા થઇ ગયા હતા. અને દબાણ શાખાને દબાણો દૂર ન કરવા તેમજ લારીઓ ન લઇ જવા માટે ઘર્ષણમાં ઉતર્યા હતા.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે લારી-ગલ્લા ઉઠાવવાના મુદ્દે ઘર્ષણ થયું હતું દરમિયાનમાં એક મહિલાએ તો નારી ને આગળ બેસી જઈ કોર્પોરેશનની ટીમ ને લઈ જતા રોકી દીધી હતી જેને કારણે પોલીસની મદદ લઇ તાત્કાલિક અસરથી કામગીરી કરી શરુ કરી અંદાજે ૨૫ લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા.