ભ્રષ્ટાચારનાં નાણાંમાંથી સોનાના દાગીનાની ખરીદી કર્યાની કબૂલાત
રાજકોટ અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા દ્વારા મોટાભાગના દાગીના રોકડેથી અને બિલ વગર ખરીદ કર્યા હતા : જે વેપારી પાસેથી સૌથી વધુ દાગીના ખરીદ કર્યા તેની એસીબીને ઓળખ મળી ગઇ
રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આખરે એસીબી સમક્ષ કબૂલી લીધું છે કે તેના ભાઈની ઓફિસમાંથી કબ્જે થયેલા કરોડો રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેણે ભ્રષ્ટાચારના નાણાંમાંથી ખરીદ કર્યા હતા. એટલું જ નહીં તેણે મોટાભાગના દાગીના બિલ વગર જ ખરીદ કર્યા હતા.
એસીબીએ 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતના કેસમાં મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ધરપકડ બાદ એસીબીની ટીમ તેને લઇને તેના ભાઈની માલિકીની 150 ફૂટ રિંગ રોડ પર ટવીન સ્ટાર ટાવરમાં આવેલી ઓફિસે પહોંચી હતી.
આ ઓફિસને અગાઉ જ અગ્નિકાંડની તપાસ કરતી સીટે સીલ કરી હતી. ઓફિસની જડતી દરમિયાન એસીબીને 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટ ઉપરાંત અઢી કિલોગ્રામ ચાંદીના દાગીના, ડાયમંડ જવેલરી, 3 કરોડની રોકડ મળી કુલ રૂ. 18 કરોડથી વધુની મત્તા મળી આવી હતી.
જે અંગે પૂછપરછમાં મનસુખ સાગઠીયાએ એવો ખુલાસો કર્યો હતો કે તેને અને તેની પત્નીને દાગીનાનો ખૂબ જ શોખ હતો. આ ઉપરાંત રોકાણના હેતુથી તેણે આટલી જંગી માત્રામાં દાગીના ખરીદ કર્યા હતા. જો કે અત્યાર સુધી તેણે આ દાગીના ખરીદવા માટે નાણાં ક્યાંથી આવ્યા તે બાબતે કોઇ ખુલાસો કર્યો ન હતો. પરંતુ આખરે તેણે આ દાગીના ભ્રષ્ટાચારના નાણામાંથી ખરીદ કર્યાનું કબૂલી લીધાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.
એસીબીએ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મોટાભાગના દાગીનાની બિલ વગર જ અને રોકડેથી ખરીદ કરી હતી. ઘણા વેપારીઓ પાસેથી આ દાગીના ખરીદ કર્યા હતાં. જેમાં સૌથી વધુ દાગીના જે વેપારી પાસેથી ખરીદ કર્યા હતા તેની ઓળખ પણ મળી ગઇ છે. સાગઠીયાની બેનામી મિલકતો છે કે કેમ તે દિશામાં હાલ તપાસ થઇ રહી છે. જોકે અત્યાર સુધીની તપાસ દરમિયાન બેનામી મિલકતો મળી નથી. સાગઠીયાના બેન્ક ખાતાઓ અંગે પણ તપાસ થઇ રહી છે. આ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે સીટના ચેરમેન એસીબીના અધિક નિયામક બિપીન અહીરે આજે રાજકોટ આવ્યા હતા અને સાગઠીયાની ઘનિષ્ઠ પૂછપરછ કરી કસ સંદર્ભે માહિતી મેળવી હતી.