દીવ-ગાંધીનગર રૂટની એસટી બસમાંથી દારૂ-બિયર સાથે કન્ડકટર ઝડપાયો
- ભાવનગર એસટી વિજિલન્સ ટીમનો દરોડો
- અમદાવાદનો વતની કન્ડકટર પ્રથમ વખત હેરાફેરી કરવા ગયો અને વિજિલન્સના હાથે આબાદ ઝડપાઈ ગયો
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર એસટી વિજિલન્સના એસએસઆઈ જે.પી ગોહિલ સહિતની ટીમને દીવ રૂટની એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસટી વિજિલન્સની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ગાંધીનગર ડેપોની દીવ-ગાંધીનગર રૂટની વોલ્વો એસી જીજે-૦૭-ટીયૂ-૬૩૯૫ નંબરની બસ ભાવનગર બસ સ્ટેન્ડ પર આવતાની સાથે જ એસટી વિજિલન્સની ટીમે બસમાં ઘૂસી ચેકીંગ હાથ ધર્યું હતું, જયાં વિજિલન્સની ટીમને કંડક્ટર સીટની બાજુમાં શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો. જે થેલાની તલાશી લેતા થેલામાંથી વિદેશી દારૂની ચાર બોટલ અને બિયરના ચાર ટીન મળી કુલ રૂ.૧૬૧૫નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવ્યો હતો. જે દારૂ અને બિયરના જથ્થા અંગે વોલ્વો એસી બસના કંડકટર અમીતસિંહ દિલિપસિંહ ચાવડા (રહે.નોબલનગર, નરોડા, અમદાવાદ) ની વિજિલન્સની ટીમના એસએસઆઈ જે.પી ગોહિલ, એએસઆઈ આર.જી .દેસાઈ,આરટીઆઈ ડી.બી ઝાલા, કે.વાય ગોહિલે આગવી ઢબે પૂછપરછ કરતા કંડકટરે દારૂ અને બિયરનો જથ્થો પોતે દીવથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેના પગલે પોલીસે કન્ડક્ટર અમીતસિંહ દિલિપસિંહ ચાવડાની ધરપકડ કરી તેના વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક સૂત્રોમાંથી વિગતો પ્રમાણે કન્ડક્ટર પહેલીવાર જ આવી રીતે સરકારી એસટી બસમાં દારૂનો જથ્થો લાવ્યો હતો અને વિજલન્સ ટીમની ઝપટે ચડી ગયો હતો.