84 દિવસની આચારસંહિતા પૂરી, : આજથી પ્રજાના ખર્ચે પદાધિકારીઓ કારમાં નીકળશે
ઉદઘાટનોથી માંડીને ડીમોલીશન સહિત કામગીરી ફરી ધમધમશે : મહાપાલિકાની સ્થાયી સમિતિ, જન.બોર્ડમાં પેન્ડીંગ રખાયેલા અનેક નિર્ણયો લેવાશે : જો કે નવા કામો શરૂ થશે તે સાથે ચોમાસુ બેસી જશે
રાજકોટ, : દેશમાં લોકસભાની ચૂંટણીની તા. 16 માર્ચે જાહેરાત થવાની સાથે અમલી થયેલી આચારસંહિતા સાત તબક્કામાં જુદા જુદા રાજ્યોમાં મતદાન અને સમગ્ર દેશમાં તા.૪ જૂને થયેલા મતદાન બાદ આજે તા.૬ની સાંજે આચારસંહિતા પૂરી થઈ છે. આવતીકાલથી મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ કે જેઓને પ્રજાના ખર્ચે ફાળવાયેલા વાહનો જમા લઈ લેવાયા હતા તે ફરી પરત આપવામાં આવશે અને ફરી પ્રજાના ખર્ચે સત્તાવાર કારમાં આવ-જા શરૂ કરશે.
સતત 84 દિવસ સુધી આચારસંહિતા ચાલી હતી જેના કારણે ગુજરાતમાં મહાનગરોમાં સપ્ટેમ્બર- 2023માં નવનિયુક્ત થયેલા પદાધિકારીઓને સત્તા અને જવાબદારી માટે સાતેક માસનો સમય મળ્યો હતો અને આચારસંહિતાથી પોણા ત્રણ માસનો બ્રેક આવ્યો હતો. આ પદાધિકારીઓ આવતીકાલથી ફરી તેમની ઓફિસોમાં વટથી હાજર થઈને બેઠકો શરૂ કરશે અને પ્રજાના ખર્ચે મળતી સુવિધાઓનો ઉપભોગ કરશે.
તો બીજી તરફ, આચારસંહિતામાં ખાસ કરીને મતદારોના સ્થળાંતરનો ઈસ્યુ ઉભો ન થાય કે અશાંતિ ન સર્જાય તે માટે રાજકોટમાં સેંકડો મકાનોના ડિમોલીશન પેન્ડીંગ રાખી દેવાયા હતા અને હવે ટીઆરપી અગ્નિકાંડના કારણે ધરપકડ-સસ્પેન્ડ થયેલા ટી.પી.શાખાના અધિકારીઓની જગ્યાએ આવેલા નવા સ્ટાફ દ્વારા આ કામગીરી શરૂ કરાશે.
આ સમય દરમિયાન, ખાસ કરીને તમામ મહાનગરોમાં દર બે મહિને ફરજીયાત બોલાવવાની સામાન્ય સભા અને સ્થાયી સમિતિની બેઠકો બોલાવાઈ હતી પરંતુ, તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખી દેવાઈ હતી જે દરખાસ્તો પર હવે નિર્ણય થશે. આ સાથે નવા કામોના ઉદ્ધાટનો, ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમો પણ શરૂ થશે.