વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો 1 - image


Vadodara Dirty Water : વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા ખાસ કરીને ગટર લઈને ચોક અપ થઈ જતા તેના લીધે ગટરનું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન કે જે લીકેજ હોઈ તેની સાથે પાણી ભળતા લોકોને પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.

વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જ્યારે ભારે વરસાદ ખાબકયો હતો, ત્યારે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા, જેના લીધે માટીવાળું પાણી ગટરમાં સતત વહેતું રહેવાના કારણે માટી નીચે જમા થઈ જતા ગટર લાઈનો ચોક થવાની ફરિયાદો ઉઠી છે, અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં હવે દૂષિત પાણીની ફરિયાદોમાં વધારો થયો છે. વિસ્તારની નવી રામવાડી, જુની રામવાડી, સરસ્વતીનગર, ઝેવિયરનગર વગેરે વિસ્તારોમાં આ તકલીફ જોવા મળી રહી છે. હરણી વિસ્તારના નાગરિકના કહેવા અનુસાર છેલ્લા છ દિવસથી હરણી ગામ લીંબડી ફળિયામાં ગંદુ અને દુર્ગંધ મારતું ડહોળું પાણી મળી રહ્યું છે. આ પાણી ડોલમાં ભર્યું હોય તો બાજુમાં ઉભા પણ રહી ન શકાય તેવું છે.

વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ પાણી પુરવઠા શાખામાં છેલ્લા બે ત્રણ દિવસથી જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. તંત્ર દ્વારા લોકોને પાણી પૂરું પાડવા ટેન્કર પણ મોકલવામાં આવતી નથી. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગોયા ગેટની પાછળ શક્તિ કૃપા સર્કલ નજીક પર્સન સોસાયટી, ગણેશ સોસાયટી વગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી મળી રહ્યું છે. ગંદા પાણીના ફોલ્ટ શોધવા ખાડા ખોદીને લાઈનો કાપવામાં આવી રહી છે. બીજી બાજુ ડ્રેનેજ ચોક અપ હોવાથી તેના લીધે ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ છે.


Google NewsGoogle News