વડોદરા: ઓવરટેક મુદ્દે ઝપાઝપી, મારામારીના કિસ્સામાં બે યુવતી સહિત પાંચ સામે ફરિયાદ
વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે ઓવરટેક મુદ્દે રિક્ષાચાલક અને તેના પરિવારજનોએ કારચાલક મહિલા તબીબને ફટકારવા મામલે ગોરવા પોલીસે રિક્ષાચાલક સહિત પરિવારના પાંચ સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.
વડોદરા શહેરની ગોત્રી જનરલ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ તબીબ તરીકે ફરજ બજાવતી કારચાલક શ્રેયા બેન પટેલ અને રિક્ષાચાલક ઘનશ્યામભાઈ ઠક્કર (રહે- શ્યામલ એવન્યુ, ગોત્રી રોડ, વડોદરા) વચ્ચે રેસકોર્સ નજીક ઓવરટેક મામલે ચકમક ઝરી હતી.
રિક્ષા ચાલકે સાઈડ ના આપવા મુદ્દે કારચાલક યુવતીએ દેખાતું નથી તેમ જણાવતા રિક્ષામાં સવાર રિક્ષા ચાલકની દીકરી ક્રોધે ભરાઈ હતી. રિક્ષા ચાલકે કારની આગળ રિક્ષા ઊભી રાખી દેતા તેમની દીકરી એ કારચાલક યુવતીના વાળ ખેંચી કારમાંથી બહાર કાઢી લાફા ઝીંકી દીધા હતા.
સમગ્ર મામલો ગોરવા પોલીસમથકે પહોંચતા બંને પક્ષના પરિવારજનો પણ ગોરવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં પણ ઝપાઝપી થતાં યુવતીના પિતાને સામાન્ય ઈજા પહોંચી હતી. તેવી ફરિયાદના આધારે પોલીસે ઘનશ્યામ ઠક્કર, હાર્દિક ત્રિવેદી, જય ઠક્કર, ખ્યાતિ ઠક્કર, અને ભૂમિકા ઠક્કર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.