ભૂસ્તર વિભાગના બનાવટી દસ્તાવેજોથી રણજિત બિલ્ડકોન લિ. દ્વારા ખનિજ રોયલ્ટીની ગોલમાલ, અંજારમાં ફરિયાદ નોંધાઈ
Representative image |
Ranjit Buildcon Mineral royalty Scam: અમદાવાદ અને ગુજરાતમાં ફ્લાય ઓવર, રેલવે ટ્રેક, મેટ્રો ટ્રેકના સૌથી વધુ કોન્ટ્રાક્ટ મેળવનાર રણજિત બિલ્ડકોન સામે કચ્છમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા કચ્છમાં સામખિયાળી- કીડીયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે રણજિત બિલ્ડકોનને 2021માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રણજિત બિલ્ડકોને ટ્રેક બનાવવા માટે હજારો ટન રેતી અને કપચીનો ઉપયોગ કર્યો હતો.
આ રેતી અને કપચી માટે ભૂસ્તર વિભાગમાં રોયલ્ટી ભરવી જરુરી હતી. જો કે રણજિત બિલ્ડકોને અંદાજે સાત લાખ ટન રેતી અને કપચીની રોયલ્ટીના ખોટા દસ્તાવેજ ઊભા કરી રેલવે વિભાગમાં સબમીટ કરી દીધાં હતા. રણજીત બિલ્ડકોને ભૂસ્તર વિભાગના કચેરીના ખોટા સિક્કા અને અધિકારીની ખોટી સહીનો ઉપયોગ કર્યો હતો. ખોટા સરકારી દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધી અંજાર પોલીસે સોમવારે રણજિત બિલ્ડકોન લિ.ના કચ્છના કર્તાહર્તા દિપેશ સોરઠિયાના અંજાર સ્થિત ઘરે તપાસ કરતાં તે ઘરે મળ્યો નહોતો અને ભૂગર્ભમાં ઉતરી ગયાનું પોલીસ કહી રહી છે.
આ પણ વાંચો: બ્રિજ, મેટ્રોરેલના નબળાં બાંધકામો મુદ્દે કુખ્યાત રણજિત બિલ્ડકોન દ્વારા ખનીજ રોયલ્ટીની ગોલમાલ
અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અંજાર ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં સિનિયર કલાર્ક જુવાનસિંહ ઘનશ્યામસિંહ ડાભીએ રણજીત બિલ્ડકોન લિ.ના પ્રતિનિધિ દિપેશ બાબુલાલ સોરઠિયા, રણજીત બિલ્ડકોન લિ. અને તપાસમાં ખુલે તે તમામ સામે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નોંધપાત્ર બાબત એ છે કે ભૂસ્તરવિભાગ દ્વારા મે-2023માં પોલીસમાં અરજી આપીને વિધિસરની કાનૂનીકાર્યવાહી કરવા જણાવ્યું હતું છતાં અકળ કારણસર અંજાગ પોલીસે કોઈ કાર્યવાહી જ કરી નથી. છે ક નવમી સપ્ટેમ્બર 2024ના રોજ અચાનક વિધિસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી પક્ષે 3 કરોડ રૂપિયાની ખનીજ રોયલ્ટી પેટે ગોલમાલ કર્યાનું પોલીસને જણાવાયું હતું.
અંજાર ભૂસ્તર શાસ્ત્રી કચેરીનો જ રણજિત બિલ્ડકોનનો ભાંડો ફોડ્યો હતો અને ખોટા સહી અને સિક્કા બનાવીને સાત લાખ ટન રેતી અને કપચીની રોયલ્ટીની ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું હતું. ઈન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રીના બનાવટી સહી-સિક્કા ઉપરાંત કચેરીના જાવક નંબરને મળતાં જાવક નંબરવાળા બે બનાવટી ના વાંધા પ્રમાણપત્રો મળી ત્રણ સરકારી ડોક્યુમેન્ટસ ખોટા બનાવવામાં આવતાં અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
રણજિત બિલ્ડકોનનો અંજારનો કર્તાહર્તા ભૂગર્ભમાં ઉતરી ગયો
અંજાર પોલીસના જણાવ્યાનુસાર, અમદાવાદ રેલવેમાં અંજાર ભૂસ્તરશાસ્ત્રી કચેરીના બનાવટીપત્રો અને દસ્તાવેજો રજૂ કરવા, કાવતરૂ ઘડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પી.આઈ. એ. આર. ગોહિલે જણાવ્યું કે, 'ભૂસ્તરશાસ્ત્રી કચેરી તેમજ રેલવેમાંથી ડોક્યુમેન્ટસ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે સોમવારે સાંજે ફરિયાદ નોંધીને દિપેશ સોરઠિયાના અંજાર સ્થિત નિવાસસ્થાને તપાસ કરતાં તે મળી આવ્યો નહોતો. ભૂગર્ભમાં ઉતરી ગયેલાં દિનેશ સોરઠિયાને ઝડપી લેવા ટીમો કાર્યરત કરાઈ છે.'