જામનગરમાં હુમલો કરી ઘરમાં આગ ચાંપી દેવાની માથાકુટમાં સામસામે ફરિયાદ દાખલ
Jamnagar Crime : જામનગરના અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને તેમાં એક પરિવારના મકાનને આગ ચાંપી રાજપુત યુવાનને માર માર મારવામાં આવ્યો હોવાની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે પ્રકરણમાં સામા જૂથના એક પ્રોઢ દ્વારા પોતાને માર મારવા અંગે તેમજ પોતાના અને અન્ય પાડોશીના મકાનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં હનુમાન ચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ દેવાભાઈ વારસાકીયા નામના 51 વર્ષના દલિત પ્રૌઢે પોતાના ઉપર હુમલો કરી પોતાના ઘરમાં તેમજ પાડોશમાં રહેતા દીપક ગોહિલના મકાનમાં પણ તોડફોડ કરી ટીવી ફ્રીજ વોશિંગ મશીન વગેરેમાં નુકસાની પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા હકુબા જાડેજા અને તેના ત્રણ પુત્રો દિવ્યરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને તેનો ત્રીજો પુત્ર, ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તમામ પાડોશી સહિતના અજાણ્યા શખ્સોએ ફરિયાદીના ઘરમાં આવી તેઓને મારકૂટ કરી હતી, અને ધોકા વડે પગ ભાંગી નાખ્યા હતા. તેમજ લોખંડના પાઈપ વડે પણ ઈજા કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા અને ઘરમાં તોડફોડ કરી હતી.
પોતે દલિત જ્ઞાતિના છે તેવું જાણવા છતાં સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યા હોવાથી એસ્ટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવતાં શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાએ આ પ્રકરણની તપાસ શરૂ કરી છે. હાલમાં હનુમાન ચોક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને શાંત વાતાવરણ છે.