વીજ કું.ના અધિકારી ભાજપના કાર્યક્રમમાં હાજર રહેતા ચૂંટણી અધિકારીને ફરિયાદ
- ક્લાસ-2 અધિકારી નિરવ દેસાઇ ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના આરંભ પ્રસંગે હાજર રહેતા પદમુક્ત કરો
સુરત
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી છે ત્યારે સુરત ડીજીવીસીએલ માં ફરજ બજાવતા વર્ગ-૨ અધિકારી નિરવ દેસાઇ ભાજપના જાહેર કાર્યક્રમમાં જોવા મળતા હોવાથી કોગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
લોકસભાની ચૂંટણીમાં હજુ ફોર્મ ભરવાની પ્રકિયા શરૃ થઇ નથી. પરંતુ જે ઉમેદવારોના નામ જાહેર થયા છે. તેઓ ચૂંટણી પ્રચાર શરૃ કરી દીધો છે. દરમ્યાન સુરત શહેર જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે કે આદર્શ આચારસંહિતાનો અમલમાં હોવાછતા સુરત ડીજીવીસીએલમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના અધિકારી નિરવ દેસાઇ તાજેતરમાં જ સુરત ભાજપના જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. લોકસભાની ઉમેદવારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગમાં પણ કાર્યરત હતા. આથી તેમને તત્કાળ પદ મુકત કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.