સુરત પાલિકાની સ્ટ્રીટ લાઈટમાંથી વાયર ચોરી ના પુરાવા બાદ પણ પોલીસે ફરિયાદ ન લેતા મુખ્યમંત્રીને ફરિયાદ
Surat Street Light Wire Theft : સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટમાંથી અસામાજીક તત્વો કોપરના ફીટીંગ વાયરો જંકશન-બોક્ષમાંથી તોડીને ચોરી કરી રહ્યાં છે તેવી વ્યાપક ફરિયાદ છે અને આ સળગતો પ્રશ્ન છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં નસેડી તથા અસમાજિક તત્વો ચોરી કરે છે તેવા વિડીયો અને ફોટોગ્રાફ સહિતની પુરાવા કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસ અને પાલિકાને આપવામાં આવે છે. લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીના પુરાવા વારંવાર આપ્યા બાદ પણ પાલિકા અને પોલીસ પગલાં ન ભરતી હોવાથી આખરે મુખ્યમંત્રીના દરબારમાં ફરિયાદ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી સુરતના છે અને સુરત પાલિકાની સ્ટ્રીટલાઇટમાં ચોરી થઈ રહી છે તેમ છતાં પોલીસ પગલાં નથી ભરતી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
સુરત પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટ આપે છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવી છે. પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના બોક્સ તોડીને તેમાંથી કોપર વાયરો ચોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલાં પાલિકાના ઉધના ઝોનમાં આવેલા પાંડેસરા જી.આઈ.ડી.સી.ના વિવિધ ટી.પી.રોડ, અમીઝારા મેઈન રોડ, બમરોલી ખાડી રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે તેમાંથી કોપર વાયરની ચોરી થઈ હતી. આ અંગે કામગીરી કરનાર એજન્સીએ પાંડેસરા પોલીસ મથકે સીસીટીવી ફુટેજ સાથે ચોરી કરનારના વિડીયો અને ફોટા પણ આપ્યા હતા. વિષયની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટ્રીટલાઈટ સિસ્ટમમાં થતી ચોરી અટકાવવા માંગણી કરવામાં આવી હતી. જોકે, પોલીસ અને પાલિકાએ કોઈ પગલાં ન ભરતાં આવી ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.
દિવસેને દિવસે અસામાજિક તત્વો બેફામ બનીને પાલિકાની સ્ટ્રીટ લાઈને નુકસાન પહોંચાડી ચોરી કરી રહ્યાં છે અને તેના કારણે સ્ટ્રીટ લાઈટ પોલના ટર્મીનેશનને નુકસાન થવાથી ગંભીર ઈલેકટ્રીકલ અકસ્માત થવાની શક્યતા રહેલી છે. તેમ છતાં પણ પાલિકા અને પોલીસ આંખ આડા કાન કરી રહી છે તેથી હવે ના છુટકે ઇજારદારે સમગ્ર પુરાવા સાથે મુખ્યમંત્રીના દરબારમાં ન્યાય માટે અરજી કરી છે.
વધુ વાંચો : લ્યો બોલો! વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું, લોકો અંધારામાં વોકીંગ કરવા મજબૂર
સુરતના સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટર ક્રિષ્ના એજન્સીએ મુખ્યમંત્રીને આ તમામ પુરાવા સાથે એક પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ વાયરો ચોરી થવા બાબતે કાર્યપાલક ઈજનેર, સાઉથ ઝોન, સુરત પાલિકા તથા મે. ક્રિષ્ના એજન્સી દ્વારા અસંખ્ય પુરાવા જોગ ફરિયાદ આપવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવેલ ન હોવાથી જાહેર જનતાને સ્ટ્રીટલાઇટની સુવિધાથી વંચિત રહેવું પડે છે. ઉપરાંત આજદિન સુધી લગભગ 4 થી 5 લાખ રૂપિયાની કિંમતના કોપર ફીટીંગ (સ્ટ્રીટલાઈટ) વાયરની ચોરી થઈ છે.
આવી ચોરીના કારણે સ્ટ્રીટલાઈટ સિસ્ટમ બંધ થઈ જતાં ગુનાહિત કૃત્ય કરનારા અસામાજીક તત્વો ને ખોટી પ્રવૃત્તિ, ચોરી, લૂંટફાટ કરવા માટે મોકળું મેદાન મળી રહ્યું છે. અને રાત્રિ સમયે સામાન્ય પ્રજા સહિત વિસ્તારના લોકો સ્ટ્રીટલાઈટ સુવિધાથી વંચિત રહેવું પડે છે. વારંવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં આવા અસામાજીક તત્વો ડામવા તે બાબતે નિરાકરણ આવતું નથી. તો મુખ્યમંત્રીને રજૂઆત કરીને પ્રજાને રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટની સુવિધા મળી રહે ઉપરાંત રાત્રિ અંધકારનો ફાયદો ઉઠાવી ગુનાહિત તત્વો પર કાબુ મેળવી શકાય તે માટે આવા અસામાજિક તત્વોને જેર કરવા તથા ફરિયાદનું નિરાકરણ કરવા માટે અરજી કરવામાં આવી છે.