ઉધનાની સોનલ શાક માર્કેટમાં શાકને બદલે દારૃનું વેચાણ થતું હોવાની ફરિયાદ
મ્યુનિ.ની મિલકતમાં જ ગેરકાયદે ધંધો પણ છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભુમિકામાં
પંદરેક વર્ષ પહેલા સોનલ એસ્ટેટમાં શાક માર્કેટ બનાવી સ્ટોલ ફાળવ્યા હતા પણ ફેરિયાઓ બેસતા જ ન હોવાથી બુટલેગર દારૃ વેચી રહ્યો છે
સુરત,
સુરત
મ્યુનિ.એ જાહેર રોડ પરના દબાણ હટાવવા માટે અનેક શાકમાર્કેટ બનાવી છે પરંતુ તેનો યોગ્ય
ઉપયોગ થતો ન હોવાથી અનેક જગ્યાએ શાકમાર્કેટમાં માથાભારે તત્વો કબજો જમાવી ગેરકાયદે
પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ઉધના ઝોનમાં આવેલી એક શાકમાર્કેટ અવાવરૃં બની ગઈ છે, તેથી તેના પર બુટલેગરે
કબજો કર્યો છે અને દારૃનું વેચાણ કરવામાં આવતું
હોવાની ફરિયાદ છે.
સુરત મ્યુનિ.એ જાહેર રસ્તા પર શાકભાજી અને ફૂટનું વેચાણ અટકાવવા માટે તમામ વિસ્તારમાં શાકભાજી માર્કેટ બનાવી છે. મ્યુનિ.એ ૫૬ શાકમાર્કેટ બનાવી પણ ૨૨ માર્કેટમાં કોઈ વિક્રેતા બેસતા જ નથી. તેના કારણે કેટલીક શાકમાર્કેટનો દુરૃપયોગ શરૃ થઈ ગયો છે. મ્યુનિ.એ શાકમાર્કેટ બનાવ્યા બાદ તેની યોગ્ય માવજત કરી ન હોવાથી હાલમાં કતારગામ ઝોનમાં બનેલી એક શાકમાર્કેટ તોડી તેની જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવવાનો નિર્ણય કર્યો છે.
જોકે, મ્યુનિ.એ બનાવેલી કેટલીક શાકમાર્કેટ લોકો માટે આફત બની ગઈ છે. ઉધના વિસ્તારમાં સોનલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની શાકમાર્કેટ પંદરેક વર્ષ પહેલા બનાવી હોવા છતાં પણ તેનો ઉપયોગ થતો નથી. આ વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ જાહેર રોડ પર જ દબાણ કરે છે અને ટ્રાફિક માટે ન્યુસન્સ બની ગયા છે. તો બીજી તરફ શાકમાર્કેટનો મ્યુનિ. ઉપયોગ કરી ન રહી હોવાથી સોનલ શાકમાર્કટમાં દારૃનું વેચાણ કરતા બુટલેગરોએ કબજો જમાવ્યો છે. સ્થાનિકો કહે છે, આ વિસ્તારમાં મ્યુનિ.ની શાકમાર્કેટમાં શાક મળતું નથી, પરંતુ દારૃ ચોક્કસ મળે છે. શાકમાર્કેટમાં દારૃનું વેચાણ થતું હોવાની ફરિયાદ છતાં મ્યુનિ. તંત્ર જાગતું ન હોવાથી ગાંધીના ગુજરાતમાં ઉધનાની સોનલ શાકમાર્કેટમાં દારૃનું વેચાણ થઈ રહ્યું છે. આ જગ્યાએ શાકભાજી વિક્રેતાને સ્ટોલની ફાળવણી કરી હતી તેઓ અહી બેસવાને બદલે ગાંધી કુટીર, કલ્યાણ કુટીર, દક્ષેશ્વર નગર વિગેરે વિસ્તારમાં જાહેર રોડ પર લારી મુકે છે. આ લારીઓ સામે મ્યુનિ. કડક કામગીરી કરતું ન હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકનું ન્યુસન્સ સતત વધી રહ્યું છે.
ભુતકાળમાં એક કોર્પોરેટરે ફરિયાદ કરી હતી પણ...
ઉધના ઝોન વિસ્તારમાં સોનલ ઈન્ડસ્ટ્રીયલ
વિસ્તારમાં બનેલી શાકમાર્કેટમાં દારૃનું વેચાણ થતું હોવાની ફરિયાદ ભાજપના એક
કોર્પોરેટરે પોલીસ મથકમાં કરી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ
ફરીથી સોનલ શાક માર્કેટમાં દારૃનો ધંધો શરૃ થઈ ગયો છે અને ફરિયાદ કરનારા કોર્પોરેટર હવે ફરિયાદ પણ કરતા
નથી.