જામનગરના રામપરમાં મકાનમાંથી 100 કિલો વજનની પીતળની દેગની ચોરી થયાની ફરિયાદ
Jamnagar Theft Case : જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીની મોસમમાં તસ્કરો સક્રિય બન્યા છે, જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા એક ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ મકાનની ઓશરીમાં રાખેલી 100 કિલો વજનની દેગની ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે. જયારે જામજોધપુરના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા દુધના વિક્રેતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ ખીમજીભાઇ મકવાણા નામના ખેડૂત યુવાને પંચકોશી એ.ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે કે 23 તારીખના સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશ મેળવી લઇ ઓશરીમાં રાખેલી આશરે 100 કિલો વજનની રૂપિયા 30,000 ની કિંમતની પિત્તળની દેગ ચોરી કરી લઈ ગયાનું જાહેર કર્યું હતું, જે ફરિયાદના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસે ચોરીના બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
જામજોધપુરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા દેવેન્દ્રસિંહ બચુભા જાડેજાએ પોતાના ઘર નજીક પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવી છે.