Get The App

વેચેલા ફ્લેટનો કબજો ડોક્ટર અને તેનાં પત્નીએ નહીં સોંપતાં લેન્ડ ગ્રેબિંગ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
વેચેલા ફ્લેટનો કબજો ડોક્ટર અને તેનાં પત્નીએ નહીં સોંપતાં લેન્ડ ગ્રેબિંગ 1 - image


રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ

ફ્લેટ ખરીદનારને ચાર-છ મહિના પછી ફલેટ ખાલી કરી કબજો સોંપવાનું કહ્યું હતું, પરંતુ આજ સુધી કબજો ન સોંપ્યો

રાજકોટ: રાજકોટમાં ડોકટર અને તેના પત્ની સામે  લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ચર્ચા જાગી છે. ડોકટર અને તેના પત્નીએ પોતાના ફલેટનો ૬૦ લાખમાં સોદો કરી પુરેપુરી રકમ મેળવી લીધા પછી પણ ખરીદનારને ફલેટનો કબજો નહીં સોંપતા ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પોલીસે ડોકટર પત્નીની ધરપકડ કરી છે. 

અંબિકા ટાઉનશિપની બાજુમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજ-રમાં ભાડાના ફલેટમાં રહેતાં અને રાવકી ખાતે આવેલા એક કારખાનામાં મેનેજમેન્ટ વિભાગમાં કામ કરતાં હિરેનભાઈ વ્રજલાલભાઈ મકાતી (ઉ.વ.૩૯)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ર૦૧૪માં મિત્ર અમિતભાઈ ભાણવડીયાએ તેને ડોકટર દેવાંગનો જલારામ-૩માં અનુરાગ એપાર્ટમેન્ટ પાછળ, ડયુ કોમ્પલેક્ષમાં આવેલો ફલેટ નં.૪૦૧ વેચાવ હોવાની જાણ કરી હતી. જેથી તેની સાથે જ ફલેટ જોવા ગયા બાદ રૂા.૬૦ લાખમાં તેનો સોદો કર્યો હતો. તે વખતે ડોકટર દેવાંગે ચાર-છ મહિના બાદ ફલેટનો કબજો સોંપી દેવાની વાત કરી હતી. 

જેના ભાગરૂપે તેણે રૂા.૪પ લાખ રોકડા સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈ આપ્યા હતા. જયારે રૂા.૧પ લાખનો દસ્તાવેજ કરાવ્યો હતો. જેમાંથી રૂા.પ૦ હજાર સુધી પેટેના અને બાકીના રૂા.૧૪.પ૦ લાખ ચેકથી ચુકવ્યા હતા. આ રકમ તેણે બેન્કમાંથી લોન લઈ ચુકવી હતી. ફલેટનો દસ્તાવેજ તેના અને પત્ની નીકીતાબેનના સંયુકત નામે કરાવ્યો હતો. 

દસ્તાવેજ કરાવ્યાના એકાદ વર્ષ બાદ તેણે મિત્ર અમિતભાઈને ડોકટર દેવાંગને ફલેટ ખાલી કરી સોંપવાનું કહેવા કહ્યું હતું. જેથી અમિતભાઈએ જણાવ્યું કે થોડો સમય રાહ જુઓ, ડો.દેવાંગને બીજા મકાનની વાતચીત ચાલુ છે, તેને મકાન વ્યવસ્થા થઈ જશે એટલે તમારો ફલેટ ખાલી કરી આપશે. 

ત્યાર પછી તેણે અવાર-નવાર મિત્ર અમિતભાઈને ડો.દેવાંગને ફલેટ ખાલી કરી દેવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે  પોતે હાલ ભાડાના ફલેટમાં રહે છે, જેનું દર મહિનાનું ભાડુ અને લોનનો હપ્તો ભરવો પડતો હોવાથી ફલેટની ખાસ જરૂર છે. ડો.દેવાંગે દસ્તાવેજ બાદ ચાર-છ મહિનામાં ફલેટનો કબજો સોંપવાની વાત કરી હતી. પરંતુ આ વાતને એક વર્ષ ઉપર થઈ ગયું છે. આમ છતાં ફલેટ ખાલી કરતા નથી. 

તે વખતે ફરીથી અમિતભાઈએ કહ્યું કે ડો.દેવાંગ સાથે તેની વાત થઈ ગઈ છે અને તે બીજે મકાન લેવાની સગવડતા થાય પછી ફલેટ ખાલી કરી આપશે તેવા બહાના હાલ બતાવે છે અને ફલેટ ખાલી કરતા નથી. 

આ રીતે તેણે ફલેટની કિંમત ચુકવી દીધી હોવા છતાં ડો.દેવાંગ અને તેના પત્ની દેવલબેને ફલેટનો કબજો નહીં સોંપતા વકિલ મારફત નોટીસ પણ આપી હતી. જે નોટીસ બંને આરોપીઓએ નહીં સ્વીકારતા પરત આવી હતી. આખરે બંને આરોપીઓ વિરૂધ્ધ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જેના આધારે આજે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી દેવલબેનની ધરપકડ કરી ડેન્ટીસ્ટ દેવાંગની શોધખોળ જારી રાખી છે. 


Google NewsGoogle News