સોસાયટીના કોમન પ્લોટમાં કબજો કરાતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
- વેસુની શિવકૃપા કો.ઓ સોસાયટીના સીઓપીમાં એક ઓફિસ, એક રૃમ, કાચુ બાંધકામ, ત્રણ બોરવેલ કરી પાણીનો ધંધો શરૃ
કર્યો હતો
સુરત
વેસુની શિવકૃપા કો.ઓ. સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જે કરીને પાણીનો વ્યવસાય કરનારા બાપ-દિકરાને વાંરવાર ખાલી કરવા માટે તાકીદ કરવા છતા કબ્જો ખાલી નહીં કરતા આખરે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બાપ-દિકરા વિરુદ્વ પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
વેસુના રેવન્યુ સર્વે નંબર 282-2 ની જમીનમાં શિવકૃપા સોસાયટી આવી છે. આ સોસાયટીના 525.67 ચો.મી જમીનમાં આવેલ કોમન પ્લોટમાંથી તનસુખ ડાહ્યા પટેલ અને કરણ તનસુખ પટેલ (બન્ને રહે. કરિશ્મા મહોલ્લો જુના મગદલ્લા) બન્નેએ સોસાયટીમાંથી કોઇ પણની મંજુરી લીધા વગર ૧૭૫ ચો.મી જમીનમાં ગેરકાયદે દબાણ કર્યુ હતુ. દબાણ કર્યા બાદ અંદર એક ઓફિસ, એક રૃમ, કાચુ બાંધકામ અને ત્રણેક બોરવેલ બનાવીને તેમાં સાંઇ જલારામ વોટર સપ્લાયર્સના નામથી પાણી સપ્લાયનો ધંધો શરૃ કરી દીધો હતો. છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદે કબ્જો કર્યો હોવાથી સોસાયટીના રહીશો દ્વારા વાંરવાર પિતા-પુત્રને પ્લોટ પર કરેલ ગેરકાયદે કબ્જો ખાલી કરવા માટે તાકીદ કરાઇ હતી. તેમ છતા બન્નેએ કબ્જો ખાલી કર્યો ના હતો. આખરે સોસાયટીના પ્રમુખ પંકજ ઇશ્વર કાબરાવાલા ( ઉ.વ.૫૫ રહે. સોહમ ફલેટસ અલથાણ)એ લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાયો હતો.
આ હુકમના પગલે સોસાયટીના પ્રમુખ પંકજ કાબરાવાલાએ ઉમરા પોલીસમાં બાપ દિકરા વિરુદ્વ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરતા વધુ તપાસ એસીપી એન.એસ.દેસાઇ કરી રહ્યા છે.