Get The App

દ્વારકામાં ટ્રસ્ટની જમીન વેંચ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપતા છેતરપિંડીની ફરિયાદ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
દ્વારકામાં ટ્રસ્ટની જમીન વેંચ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપતા છેતરપિંડીની ફરિયાદ 1 - image


જુદી જુદી બે જમીનનો સોદો કરી વેચાણ સાટાખત કરાર કર્યા બાદ અમલ ન કર્યો : મુંબઈના પાંચ ટ્રસ્ટીઓ સામે બોરીવલી મુંબઈના અરજદારે દ્વારકા પોલીસ મથકમાં કાર્યવાહી  કરી 

જામ ખંભાળિયા, : દ્વારકામાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટના મુંબઈ ખાતે રહેતા ટ્રસ્ટીઓ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ મુંબઈ રહેતા આસામી દ્વારા દ્વારકા પોલીસ મથકમાં પાંચ આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુંબઈના બોરીવલી (વે) વિસ્તારમાં આવેલા સાંઈબાબા નગર ખાતે રહેતા રાજેશભાઈ જગદીશભાઈ મૂલચંદાણી (ઉ.વ. 35) એ ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટના ટ્રસ્ટી શાંતિકુમાર ધરમશી કાપડિયા, પ્રદીપ કાપડિયા, તેમજ ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટના મુખત્યાર રાજેશ હરિલાલ વિભાકર તથા શાંતિકુમાર ધરમશી કાપડિયા અને ટ્રસ્ટી પાર્થ પ્રદીપ કાપડિયા અને અંશુમન પ્રદીપ કાપડિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર કરાયું છે કે ,આરોપીઓ ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટ એ - 1844 મુંબઈના ટ્રસ્ટીઓ શાંતિકુમાર અને પ્રદીપ કાપડિયાએ ફરિયાદીના ટ્રસ્ટના કોઠારી સ્વામીને વિશ્વાસમાં લઈ, દ્વારકામાં શાક માર્કેટ ચોકની બાજુમાં આવેલા સ્વામિનારાયણના મંદિર પાસે ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટની સત્તાવાર મિલકતના ચોક્કસ સિટી સર્વે નંબરમાં આવેલી જુદી જુદી 601.41 અને 1012.19 ચોરસ મીટરની જગ્યા 1990માં વેચાણથી આપેલ હોય પરંતુ આજદિન સુધી ટાઈટલ ક્લિયર તેમજ દસ્તાવેજ કરી આપેલ નથી.

      આ ઉપરાંત મુંબઈ ખાતે રહેતા અન્ય આરોપી ટ્રસ્ટીઓ રાજેશ હરીલાલ, શાંતિકુમાર ધરમશી, પાર્થ પ્રદીપ અને અંશુમન પ્રદીપ દ્વારા પણ ફરિયાદી રાજેશભાઈ જગદીશભાઈ મૂલચંદાણીને વિશ્વાસમાં લઈ અને તેમની પાસે ફરીથી રૂપિયા 200001 ની માંગણી કરેલ અને ફરિયાદીને વેચાણ દસ્તાવેજ કરી આપવા બાંહેધરી આપી હતી. જેથી ફરિયાદીએ ગત તારીખ 30-06-2023  ના રોજ ડુંગરશી પરસોતમ ટ્રસ્ટના નામજોગ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા - જુનાગઢ શાખાના ચોક્કસ નંબરના ચેક મારફતે રૂપિયા 200001 ની રકમ આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ શ્રી સ્વામિનારાયણ મંદિર - જૂનાગઢને દ્વારકા ખાતે સમજૂતી કરાર કરી આપી અને આરોપીઓ દ્વારા ફરિયાદી (ટ્રસ્ટ) સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે મુંબઈ રહેતા ટ્રસ્ટીઓ સામે આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News