કાકાના ઘરે રહેતી સગીરાનું યુવાને અપહરણ કરી લીધાની ફરિયાદ
ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં
મહિનાથી લાપતા થયેલી સગીરાની ભાળ નહીં મળતા તપાસ કરાઈ હતી ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ
ગાંધીનગર ઃ ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં કાકાના ઘરે રહેતી સગીરા છેલ્લા એક મહિનાથી લાપતા થયા બાદ પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને નજીકમાં રહેતો યુવાન પણ ગુમ હોવાનું જણાતા આખરે તેના સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર નજીક
આવેલા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી અન્ય જિલ્લામાંથી આવેલો પરિવાર રહે છે ત્યારે આ
પરિવારમાં વતનમાંથી આવેલી સગીરા પણ કાકાના ઘરે રહેતી હતી. આ દરમિયાન ગત ૨૨
ડિસેમ્બરના રોજ સવારના સમયે સગીરા ઘરે દેખાઈ ન હતી. જેના કારણે પરિવારજનો દ્વારા
તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેણીનો ક્યાંય જ પતો લાગ્યો ન હતો. જેના પગલે
આસપાસના વિસ્તાર અને સગા સબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. દરમ્યાનમાં જાણવા
મળ્યું હતું કે, આ
પરિવારની નજીકમાં રહેતો યુવાન પણ છેલ્લા ઘણા સમયથી ઘરે હાજર નથી. જેના કારણે
પરિવારજનો તેના ઘરે પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી. જેના પગલે આ યુવાન જ
સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકા પ્રબળ બની હતી. જેના પગલે હાલ સગીરાના પરિવારજનો
દ્વારા પેથાપુર પોલીસ મથકમાં યુવાન સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
કરાવવામાં આવ્યો છે. જેના આધારે પેથાપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આરોપી યુવાન
અને સગીરાની શોધખોળ શરૃ કરવામાં આવી છે.