Get The App

જમીન વારસાઈનું ખોટું સોગંદનામુ કરનાર તત્કાલિન તલાટી સહિત બે સામે ફરિયાદ

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
જમીન વારસાઈનું ખોટું સોગંદનામુ કરનાર તત્કાલિન તલાટી સહિત બે સામે ફરિયાદ 1 - image


- અરજદારે તેમની સંમતિ વગર પેઢીનામું  ન બનાવવા લેખિત જાણ કરી હતી

- રાણપરડા ગામમાં આવેલ ખેતીની જમીનમાં વારસાઈ નોંધ મામલે વિવાદ ચાલતો હોવા છતાં ખોટા પુરાવાના આધારે વારસાઈ નોંધ થયાનો  ભાંડફોડ થયો

ભાવનગર : મહુવા તાલુકાના રાણપરડા ગામમાં આવેલ ખેતીની જમીનમાં વારસાઈની નોંધ કરાવવા માટે મહુવા મામલતદાર કચેરીમાં ખોટું સોગંદનામુ-પેઢીનામું તૈયાર કરી તેનો અસલ તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરવામાં આવતા રાણપરડા ગામના યુવાને તેના પિતરાઈ ભાઈ અને તત્કાલિન તલાટી કમ મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

બનાવની વિગત એવી છે કે, મહુવા તાલુકાના રાણપરડા ગામમાં રહેતા અને વકીલાત કરતા ભાવેશભાઈ રણછોડભાઈ શિયાળે દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રાણપરડા ગામમાં આવેલ સર્વે નં. ૨૩૦ પૈકી ૧૧ની ૮-૫૨-૮૮ જમીન તેમના મોટા દાદા બોઘાભાઈ હરજીભાઈ શિયાળે તેમના મોટા દિકરા રામજીભાઈ બોઘાભાઈ શિયાળ પુખ્ત વયના હોવાથી વર્ષ-૧૯૭૦માં તેમના નામની વારસાઈ નોંધં કરાવી હતી. આ જમીનમાં હાલ તેમના પિતા સહિત ચાર ભાઈઓના ભાગમાં ૫૬ વિઘા પૈકી દરેકના ભાગે ૧૪ વીઘા જમીન આવેલી છે. જયારે, ફરિયાદીના પિતરાઈ ભાઈ રામજીભાઈ છેલ્લા ૩૦ વર્ષથી માનસિક અસ્થિર હોય આ જમીનમાં વારસાઈની નોંધ થઈ શકી ન હતી અને તેમનું તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ અવસાન થયા બાદ આ જમીનમાં વારસાઈ નોંધ કરાવવા માટે તેમના દીકરાઓને જાણ કરી હતી. પરંતુ, તેઓ વારસાઈ નોંધ માટે સહમત ન થતા કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. મહુવા કોર્ટેમાં આ જમીનમાં વારસાઈના નામો ઉમેરવા સહમતિ થતા સમાધાન થયું હતું. પરંતુ ત્યારબાદ પણ રામજીભાઈના દિકરાઓએ તેમના પિતા અને અન્ય વારસદારોના નામ દાખલ કરવાની સ્પષ્ટ ના પાડતા તેમણે ફરી મહુવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વિવાદવાળી જમીનમાં તેમના દાદાના દિકરા હિંમતભાઈ રામજીભાઈ શિયાળ ખોટા પુરાવા ઉભા કરશે તેવી શંકા જતા તેમણે રાણપરડા ગામના જે-તે સમયના તલાટી કમ મંત્રીને અન્ય વારસદારોની સંમતિ વગર કોઈ પેઢીનામું કે અન્ય પુરાવા નહીં બનાવી આપવા લેખિત જાણ કરી હતી. દરમિયાન દરખાસ્તના કામ અંગે રેવન્યુ રેકોર્ડ રજૂ કરવાની જરૂર પડતા રાણપરડા ગામની જમીનની ૦૭-૧૨-૦૮અની નકલ કઢાવતા તા.૦૯ જાન્યુઆરી,૨૦૨૩ ની તારીખથી રામજીભાઈ બોઘાભાઈ શિયાળના વારસદાર તરીકે  વારસાઈ નોંધ થયેલી હતી. આ નોંધ અંગે પુરાવા મેળવતા તેમાં રાણીવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રૂબરૂ પેઢીનામુ રજૂ કરેલ હોવાનું ખુલતાં તએ ચોંકી ઉઠયા હતા. અને આ મામલે  ગેરરીતિ અને ગોલમાલ આચરી ખોટું સોગંદનામું  અને પેઢીનામું બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પણ અધુરૂં હોય તેમ તેમાં તલાટીના સહી સિક્કા પણ થયા હોવાનું માલૂમ પડયું હતું. આ મામલે ભાવેશભાઈ રણછોડભાઈ શિયાળની ફરિયાદના આધારે દાઠા પોલીસે તેના પિતરાઈ ભાઈ હિંમત રામજીભાઈ શિયાળ ( રહે. રાણપરડા) અને રાણપરડા ગામના તત્કાલિન તલાટી કમ મંત્રી રામ  પોલાભાઈ ભીલ ( રહે. રાણીવાડા તા.મહુવા ) વિરૂદ્ધ આઈપીસી કલમ ૪૨૦ ,૪૬૫ ,૪૬૭, ૪૬૮, ૪૭૨, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News