Get The App

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ત્રણ સામે વળતી ફરિયાદ

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ત્રણ સામે વળતી ફરિયાદ 1 - image


૨૬મી જાન્યુઆરીએ હુમલાની ફરિયાદ નોંધાવનાર

આરોપીઓએ દસેક મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો

રાજકોટ :  રાજકોટ નજીકના સણોસરા ગામે રહેતા રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ કથીરિયાએ જેની ઉપર પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી તે ઇલિયાસ રહીમભાઈ શેરસીયા (ઉ.વ.૪૧, રહે. સણોસરા)એ હવે વળતી ફરિયાદ નોંધાવી છે. જેના આધારે કુવાડવા રોડ પોલીસે ચેતનભાઈ, તેના ભાઈ રવિ અને ચોટી રાજસ્થાની તરીકે ઓળખાતા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં ઇલિયાસભાઈએ જણાવ્યું છે કે ગઇ તા. ૨૬ના રોજ ગામમાં આવેલા ગેઇટ પાસે હતા ત્યારે ચેતનભાઈ, તેનો ભાઈ અને તેની દુકાનમાં કામ કરતો ચોટી તેની પાસે આવ્યા હતા. જેમાંથી ચેતને કહ્યું કે તું સાજો થઇ ગયો, અમારું કોઇ કાંઇ બગાડી નહીં શકે. તે સાથે જ રવિએ પાઇપ જ્યારે ચેતન અને ચોટીએ ધોકા વડે તેની ઉપર હુમલો કર્યો હતો. બંને હાથ આડા ધરી દેતાં તેમાં ઇજા થઇ હતી.

એટલું જ નહીં ચોટીએ તેને ગાળો પણ ભાંડી હતી. આ દરમિયાન ગ્રામજનો ભેગા થઇ જતાં ચેતનભાઈએ તેને કહ્યું કે તારી આગળની ફરિયાદ પાછી ખેંચી લેજે અને ગામ મૂકીને જતો રહેજે. બાદમાં તેણે પોતાની પાસે રહેલા ધોકા વડે ચેતનભાઈ પર હુમલો કર્યો હતો. ગ્રામજનો ભેગા થઇ જતાં તે ભાગી ગયા હતા. વાંકાનેરની હોસ્પિટલમાં જઇ સારવાર લીધી હતી. તબીબે તેને જમણા હાથના કાંડા અને ડાબા હાથની બીજી આંગળીમાં ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું.

દસેક મહિના પહેલા તેને ચેતનભાઈ અને તેના ભાઈ સાથે માથાકૂટ થતાં ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી આરોપીઓએ ઝઘડો કરી, ગાળો ભાંડી, હુમલો કર્યો હતો.

rajkotFIR

Google NewsGoogle News