રાજકોટમાં ચાર વર્ષની બાળકીને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડાઈ, શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ: શાળાએ CCTV જાહેર કર્યા
Karnavati International School : રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળાના ગુપ્તાંગમાં બોલપેન કે અન્ય કોઈ વસ્તુ ઘૂસાડી, મારઝૂડ કરવાની ઘટનામાં મહિલા શિક્ષિકા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે બાળાના માતાની ફરિયાદ પરથી શિક્ષિકા સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળા સાતેક દિવસ પહેલા સ્કૂલે હતી, ત્યારે શિક્ષિકાએ તેના ગુપ્તાંગના ભાગે બોલપેન કે અન્ય કોઇ વસ્તુ નાખી, ઈજા કરી, મારઝૂડ કરી હતી. જે અંગે બાળાએ તેના પરિવારજનોને વાત કરતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. બાદમાં આ મામલે આક્ષેપો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ શિક્ષિકા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર
ઉલ્લેખનીય છે કે સ્કૂલના જવાબદારો દ્વારા આવી કોઈ ઘટના ન હોવાનું મીડિયા સમક્ષ જણાવાયું હતું. જ્યારે શિક્ષકાએ પરિવારના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. શિક્ષિકાએ કહ્યું હતું કે મેં આ દીકરીને આખુ વર્ષ ભણાવી છે તે એકપણ શબ્દ બોલતી નથી. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા પરંતુ તેઓ સાબિત કરી શકયા નથી. દીકરી સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો તે અંગે પોલીસે તપાસ કરવી જોઇએ. પરિવાર દ્વારા લગાવેલા આક્ષેપોના લીધે મારો ઈગો હર્ટ થયો છે, આવું ન થવું જોઈએ.