Video: જામનગરમાં ઉશ્કેરણીજનક ગીત-સંવાદનો વિવાદ: સાંસદ અને કોર્પોરેટર સામે નોંધાયો ગુનો
Jamnagar News : જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'સમૂહ શાદી'નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદની એન્ટ્રી વખતે બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત અને સંવાદને લઈને વિવાદ વકર્યો. જેને લઈને સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચારી મચી છે.
સાંસદની ઉશ્કેરણીજનક ગીત સાથે એન્ટ્રીનો વીડિયો વાઈરલ થતા વિવાદ
જામનગરમાં 29 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'સમૂહ શાદી'નો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંસદ અને સ્થાનિક કોર્પોરેટરની કાર્યક્રમમાં એન્ટ્રી સમયે 'હૈ ખૂન કે પ્યાસો બાત સુનો..' ગીત વગાડ્યું હતું અને તેની વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વાંધા જનક અને ઉશ્કેરણીજનક ગીત સાથે વીડિયો વાઈરલ થતા સમગ્ર મામલો ગરમાયો હતો.
સાંસદ ઈમરાન પ્રતાપગઢી-કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ત્યારબાદ જામનગરના એક આગેવાને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક સમાજની લાગણી દુભાય અને બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને વૈમનસ્ય ઊભુ થાય તેવી ભાષાનો પ્રયોગ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસે સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી તેમજ જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની 196, 197(1), 302, 299, 57 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીના સોશિયલ મીડિયામાં 16 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમના ટ્વીટર હેન્ડલ પર મુકેલી વિવાદિત ક્લિપના એક જ દિવસમાં 1.77 લાખ વ્યૂ મળ્યા હતા. સાંસદે શેર કરેલી પોસ્ટમાં 6921 લાઈક, 783 લોકોએ રિપોસ્ટ અને 18 લોકોએ ક્વોટ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી આ પોસ્ટ હટાવામાં આવી નથી.