જામનગરના યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો કરવાના પ્રકરણમાં એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઈ
Jamnagar Crime : જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ એક મહિલા સહિત ચાર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઈ વઘેરા નામના 31 વર્ષના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના એક થી વધુ ઘા ઝીંકી દેવાતાં તેને લોહી લુહાણ હાલતમાં 108 ની ટુકડી મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયારે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી જી.જી.હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ઘનિષ્ઠ પૂછપરછ કર્યા બાદ તેના નિવેદનના આધારે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનારા જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ, આકાશ વિપુલભાઈ, મુકેશ ઉર્ફે ચીનો વિપુલભાઈ અને સુનિલ ઉર્ફે ધમાની પત્ની વગેરે ચાર શખ્સો સામે હુમલા અંગેનો ગુન્હો નોંધ્યો છે, અને પોલીસ દ્વારા ચારેયની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.