Get The App

ગાંધીનગર સહિત રાજ્યના ૧૧ વેપારીઓ સાથે રૃપિયા ૩.૪૭ કરોડની છેતરપિંડી કરતાં ફરિયાદ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ગાંધીનગર સહિત રાજ્યના ૧૧ વેપારીઓ સાથે રૃપિયા ૩.૪૭ કરોડની છેતરપિંડી કરતાં ફરિયાદ 1 - image


વિવિધ પ્રકારના કેમિકલની ખરીદી બાદ નાણાં ચૂકવ્યા નહીં

ઓફિસ અને ગોડાઉન બંધ કરીને આરોપી ફરાર ઃ બેંકમાંથી લોન મંજૂર થયા બાદ ચૂકવી દેવાના વાયદા કરીને છેતરપિંડી આચરી,  સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર : વેપારના વહાણ વિશ્વાસે ચાલે તે ઉક્તિને ખોટી પાડતાં કિસ્સામાં કેમિકલના વેપારીએ ગાંધીનગરના સહિત ૧૧ વેપારીઓને રૃપિયા ૩.૪૭ કરોડનો ચુનો લગાવ્યાનો કિસ્સો ઉજાગર થયો છે. ભાડાની ઓફિસ રાખીને વેપારીઓને ફસાવનાર શખ્સ આખરે નાણા નહીં ચૂકવીને તેના પરિવાર સાથે આરોપી ફરાર થઇગયાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

મુળ ગાંધીનગરના રાંધેજા ગામનાં અને હાલ સરગાસણમાંસૂર્યા સર્કલ પાસે મેઘ મલ્હારમાં રહેતા દિવ્યાંગકુમાર જગદિશચંદ્ર દવેએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના નિકોલ વિસ્તારની ન્યુ ઇન્ડિયા કોલોનીમાં બાલમુકુંદ બગ્લોઝમાં રહેતા કલ્પેશ ડાગ્યાભાઇ પટેલનું નામ દર્શાવ્યું છે. સીઆઇડી ક્રાઇમની આથક ગુના નિવારણ શાખાનાં ડિટેક્ટિવ પોલીસ ઇન્સપેક્ટર જે. વી. રાઠોડ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયાં અનુસાર ફરિયાદી સહિતના વેપારીઓ પાસેથી આરોપી અને તેમના મળતિયાઓ દ્વારા કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, બ્રાસેસ સલ્ફેટ જેવા કેમિકલની ખરીદી કર્યા બાદ નાણા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરીને છેતરપિંડી કરી હતી.

૧૦ વર્ષની ઓળખાણ છતાં આરોપીએ ફરિયાદી સાથે રૃપિયા ૪૭.૭૦ લાખની રકમ નહીં ચૂકવીને છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત જામનગર, મહેસાણા, અમદાવાદ વિગેરે શહેરના મળીને ૧૧ વેપારીઓને કુલ મળીને ૩.૪૭ કરોડનો ચુનો લગાવ્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આરોપીએ શરૃઆતમાં કેનેરા બેંકમાંથી સીસી લોન મંજુર થતાં ચૂકવણા કરી દેશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો. પરંતુ આખરે અન્ય વેપારીઓ મારફત જાણ થઇ હતી, કે આરોપી કલ્પેશ પટેલના ઓફિસ અને ગોડાઉન બંધ છે અને સામાન ભરી પરિવાર સાથે ગાડીમાં બેસીને રવાના થઇ ગયો છે.


Google NewsGoogle News