૨૫ ટકા વ્યાજે રૃપિયા ધિરનાર વ્યાજખોર સામે ફરિયાદ
૩.૬૫ લાખની સામે ૧૧.૭૫ લાખ પડાવ્યા : કાર અને બે બાઇક પણ પડાવી લીધા
વડોદરા,૨૫ ટકા વ્યાજે રૃપિયા આપી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી ૧૧.૭૫ લાખ વસુલી ધમકી આપતા વ્યાજખોર સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાણીગેટ મહાદેવ તળાવ પાસે શિવલીલા ફ્લેટમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર મયૂર ભૈયાભાઇ પાટિલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વાડી વિસ્તારમાં રહેતા પ્રદિપ હરિશચંદ્ર ગાયકવાડ પણ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હોઇ તેઓની સાથે પરિચય થયો હતો. અમારે પૈસાની જરૃર પડતા પ્રદિપ ગાયકવાડ પાસેથી રૃપિયા લેતા હતા. વર્ષ - ૨૦૨૧ માં ધંધા માટે જરૃર પડતા પ્રદિપ ગાયકવાડ પાસેથી ૨૫ ટકાના વ્યાજે ૨૫ હજાર રૃપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ ડિસેમ્બર - ૨૦૨૨ માં ૩.૬૫ લાખ લીધા હતા. જેની સિક્યુરિટી પેટે મારા પિતાના એકાઉન્ટના ચાર કોરા ચેક તેમણે લીધા હતા.અમે અત્યારસુધી ૧૧.૭૫ લાખ ચૂકવ્યા હોવાછતાંય હજી મારી પાસે ૩૩ લાખની માંગણી કરી ઝઘડો કરે છે.રૃપિયાની ઉઘરાણી પેટે તેઓ મારા ઘરે આવીને મારા પિતાના નામની કાર લઇ ગયા હતા. વ્યાજની પેનલ્ટી પેટે મારી બે બાઇક પણ તેઓ લઇ ગયા હતા. મારા પત્નીની સીમંત પ્રસંગે પણ પ્રદિપે મારા ઘરે આવીને ઝઘડો કરતા તેણે માંગ્યા મુજબનું ૧૬ લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું. આ ઉપરાંત તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે બે ચેક રિટર્ન કરાવીને ફરિયાદ કરી હતી.