કંપની સાથે ૧.૩૦ કરોડની છેતરપિંડી કરતા બિઝનેસ હેડ સામે ફરિયાદ
પોતાની ભાગીદારી વાળી કંપની ઉભી કરી ખોટા બિલ મંજૂર કરાવ્યા હતા
વડોદરા,કંપનીમાં નોકરી જોઇન્ટ કરતા સમયે કરેલી એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરી કંપનીના બિઝનેસ હેડ દ્વારા પોતાની ભાગીદારીવાળી કંપની શરૃ કરી ૧.૩૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જૂના પાદરા રોડ પર મેઘધનુષ સોસાયટીમાં રહેતા આશુતોષ રમેશભાઇ આસ્લોટ વડોદરાની સ્યોર સેફ્ટી ઇન્ડિયા લિ. કંપનામાં છેલ્લા ૧૦ વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર જનરલ એડમિનિસ્ટ્રેશન તરીકે નોકરી કરે છે. છાણી પોલીસ સ્ટેશનમાં તેમણે જયમીન નટવરલાલ ઠક્કર (રહે. જય મહાકાળી સોસાયટી, આજવા રોડ) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીના સાધનો, રૃફ ઇન્સ્ટોલેશન અને ફાયરના સાધનો બનાવે છે. કંપનીએ નક્કી કરેલી પેટા કંપની દ્વારા અમે કામ કરી આપીએ છે.
અમારી કંપનીમાં એરિયા સેલ્સ કો - ઓર્ડિનેટર તરીકે તા. ૧૭ - ૦૧- ૨૦૧૧ થી જયમીન ઠક્કર કામ કરતા હતા. કંપની જોઇન્ટ કરતા સમયે એપોઇન્ટમેન્ટ લેટરમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કંપનીમાં જોડાયા પછી કંપનીના કર્મચારી તરીકે અન્ય કોઇ ધંધા કે અન્ય કંપની સાથે કામ કરી શકશે નહીં. જાન્યુઆરી - ૨૦૨૦ માં કંપનીએ જયમીનને કંપનીના અધિકૃત બિઝનેસ હેડ તરીકે પ્રમોશન આપ્યું હતું.
દરમિયાન કંપનીના ધ્યાને આવ્યું હતું કે, જયમીન ઠક્કરે કેટલીક પેટા કોન્ટ્રાક્ટવાળી (૧) આર.એન. ઇન્ડસ્ટ્રિઝ અને (૨) શ્રીજી એન્જિનિયરીંગ કંપનીના નામે મોટી રકમના બીલો પાસ કરાવ્યા છે. આ બીલ શંકાસ્પદ જણાઇ આવતા મેનેજમેન્ટ તરફથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બંને કંપનીના માલિક તથા ભાંગીદાર તરીકે જયમીન ઠક્કર તથા તેમના માતા રેખાબેન ઠક્કર છે. જયમીને ઓછા ભાવવાળી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના નિયમની ઉપરવટ જઇ અમારી કંપનીનું કામ અમારી કંપનીના જ કારીગરો પાસે કરાવ્યું હતું. જ્યારે બીલોની રકમ પોતાની ભાગીદારીવાળી ઉપરોક્ત કંપનીમાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત તેણે વધુ સ્કવેર મીટર લખી ખોટા બિલ પાસ કરાવ્યા હતા.આ રીતે તેણે ૧.૩૦ કરોડની છેતરપિંડી કરી હતી.