પાટલા ઘો પકડી વીડિયો વાઇરલ કરતા ભાજપના નેતાના ભાઇ સામે ફરિયાદ
- આંકલાવ ભાજપના કોષાધ્યક્ષ અમિત પટેલના ભાઇની અટકાયત
- વનવિભાગના અધિકારીઓએ પૂછપરછ કરતાં પાલતું શ્વાન અને પોતાના મનોરંજન માટે પશુ પકડયું હોવાની શખ્સની કબૂલાત
આંકલાવ શહેર ભાજપના કોષાધ્યક્ષ અમિતભાઈ પટેલના ભાઈ સંદીપભાઈ જશભાઈ પટેલે નહેરૂ ગંજ પાસે પોતાના ફાર્મ હાઉસમાં શ્વાન પાળ્યું છે. સંદીપ પટેલે ગત તા.૫ ડિસેમ્બરની સાંજે પોતાના ફાર્મ હાઉસમાં પોતાના શ્વાનના મનોરંજન માટે એક પાટલા ઘો પકડી હતી. બાદમાં આ અંગેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થતાં આંકલાવ વન રેન્જ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સંદીપ પટેલને બોલાવી પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે પોતાના અને શ્વાનના મનોરંજન માટે વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી આંકલાવ રેન્જ પરીક્ષક અધિકારી આર.પી. જોશી અને કે.પી. ચૌહાણ દ્વારા સંદીપ પટેલ સામે વન્યપ્રાણી એક્ટ-૧૯૭૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શખ્સને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે : વન વિભાગ
આંકલાવ રેન્જ સામાજિક વનીકરણ વિભાગના આણંદના પરીક્ષક આરતીબેન જોષીએ જણાવ્યું હતું કે, હાલ સંદીપ પટેલની અટકાયત કરવામાં આવી છે. આવતીકાલે સવારે આંકલાવ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંદીપે મનોરંજન બાદ પાટલા ઘોને છોડી દીધી હોવાનું પુછપરછમાં જણાવ્યું છે.
વન વિભાગના અધિકારી પર રાજકીય દબાણ કરાયું
સંદીપ પટેલ રાજકીય રીતે ભાજપ સાથે સંકળાયેલો હોવાથી અને તેનો ભાઈ આંકલાવ શહેર ભાજપના કોષાધ્યક્ષ હોવાથી આ ઘટના સંદર્ભે કાર્યવાહી નહીં કરવા માટે વન વિભાગના અધિકારી ઉપર બપોરના સમયે રાજકીય દબાણ થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.