સુરતના વેપારીઓ પાસેથી કાપડ ખરીદી ઉઠમણું કરનાર અમદાવાદના ત્રણ વેપારી સહિત પાંચ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
પુણાગામના દુપટ્ટાનો હોલસેલ વેપાર કરતા મૂળ અમરેલીના વેપારી પાસેથી રૂ.12.80 લાખનો દુપટ્ટાનો માલ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું
સુરત ઈકો સેલમાં બે અઠવાડીયા અગાઉ જ અમદાવાદ રેવડી બજારમાં ઓફિસ ધરાવતા ત્રણ દલાલ અને છ વેપારીએ ઉઠમણું કરતા ફરિયાદ નોંધાઈ હતી
- પુણાગામના દુપટ્ટાનો હોલસેલ વેપાર કરતા મૂળ અમરેલીના વેપારી પાસેથી રૂ.12.80 લાખનો દુપટ્ટાનો માલ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું
- સુરત ઈકો સેલમાં બે અઠવાડીયા અગાઉ જ અમદાવાદ રેવડી બજારમાં ઓફિસ ધરાવતા ત્રણ દલાલ અને છ વેપારીએ ઉઠમણું કરતા ફરિયાદ નોંધાઈ હતી
સુરત, : સુરતના પુણાગામ સીતાનગર ચોકડી નેતલદે પાર્કમાં દુપટ્ટાનો હોલસેલ વેપાર કરતા મૂળ અમરેલીના વેપારી પાસેથી રૂ.12.80 લાખનો દુપટ્ટાનો માલ ખરીદી પેમેન્ટ નહીં કરનાર અમદાવાદના ત્રણ વેપારી,દલાલ સહિત પાંચ વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.જે વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તે ત્રણ વેપારી સહિત નવ વિરુદ્ધ સુરત ઈકો સેલમાં બે અઠવાડીયા અગાઉ જ ઉઠમણાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી રાજુલા ચોતરાના વતની અને સુરતમાં મોટા વરાછા પંચદેવ રો હાઉસ મકાન નં.18 માં રહેતા 33 વર્ષીય વિરલકુમાર ઘનશ્યામભાઇ સુહાગીયા પુણાગામ સીતાનગર ચોકડી નેતલદે પાર્ક સોસાયટી વિરાજ એપાર્ટમેન્ટ દુકાન નં.9 માં ધર્મનંદન ટેક્ષટાઈલના નામે હોલસેલમાં દુપટ્ટાનો વેપાર કરે છે.તેમના મિત્ર મહેન્દ્રભાઈ પણ કાપડનો વેપાર કરતા હોય અમદાવાદના કાપડ બજારમાં દલાલીનું કામ કરતા તેમના પરિચિત સંદીપ ધીરૂભાઇ ડોબરીયા ( રહે.એ/4, નંદનવન સોસાયટી, રતનબા સ્કુલ સામે, ઠક્કરનગર રોડ એપ્રોચ, અમદાવાદ ) એ ગત ડિસેમ્બર 2023 માં વિરલકુમારને ફોન કરી કહ્યું હતું કે મારી પાસે અમદાવાદ કાપડ માર્કેટના સારા વેપારીઓ છે જે હોલસેલમાં કામ કરે છે.તમે દુપટ્ટાનો માલ મોકલો તો પાર્ટીઓ માર્કેટના ધારાધોરણ મુજબ 30 દિવસમાં પેમેન્ટ કરી આપશે.આથી તે વ્હોટ્સએપ ઉપર જે ઓર્ડર મોકલતો તે મુજબ વિરલકુમાર દુપટ્ટાનો માલ મોકલતા હતા.
આ રીતે તેમણે ફેબ્રુઆરી મહિનાથી જયઅંબે ક્રીએશનના માલિક વિજય ગુરનાનીને રૂ.10,17,655 નો, શ્રી સીધ્ધીવિનાયક ટ્રેડીંગના મનોજ ક્રિપલાનીને રૂ.64,890 નો અને આર.વી.ક્રીએશનના રમેશ રામઉજાગર પાઠકને રૂ.1,97,158 નો મળી કુલ રૂ.12,79,703 નો દુપટ્ટાનો માલ મોકલ્યો હતો.જોકે,ત્રણેયે સમયસર પેમેન્ટ નહીં કરતા વિરલકુમાર જાતે અમદાવાદ જઈ દલાલ સંદીપને લઈ પાર્ટીઓને મળવા ગયા તો કોઈ મળ્યું નહોતું.વિરલકુમારના સેલ્સમેન રામજીભાઈએ તમામ પાર્ટીને ફોન કરી પેમેન્ટની ઉઘરાણી કરી ત્યારે વિશાલ તુલસીદાસ નવલાની ( રહે.બી/11, સીંધ નવજીવન કો.ઓ .હાઉસિંગ સોસાયટી લી., આર્ય સમાજ મંદીર, સેજપુર, બોઘા, અમદાવાદ ) એ રામજીભાઈને ફોન કરી કહ્યું હતું કે વેપારીઓ પાસેથી તમારા દલાલ માલ લઈને જતા રહ્યા છે.તમારો કોઈ માલ અમારી પાસે આવ્યો નથી, જેથી મને આ પાર્ટીઓની ક્રેડિટ નોટ આપો,બાદમાં તેમણે મહેન્દ્રભાઇને પણ ફોન કરી ધમકી આપી હતી કે રામજીભાઈને કહો ક્રેડિટ નોટ લખી આપે નહીતો તેમની જીંદગી ફેઈલ થઈ જશે.
ત્યાર બાદ વિરલકુમારને જાણ થઈ હતી કે તેમણે જે ત્રણ વેપારીઓને માલ મોકલ્યો હતો તે વિજય ગુરનાની, મનોજ ક્રિપલાની અને રમેશ રામઉજાગર પાઠક વિરુદ્ધ સહિત છ વેપારી અને અમદાવાદ રેવડીબજારના ત્રણ દલાલ સહિત નવ વિરુદ્ધ બે અઠવાડીયા અગાઉ સુરત ઈકો સેલમાં બે અઠવાડીયા અગાઉ જ ઉઠમણાની ફરિયાદ નોંધાઈ છે.આથી તેમણે ગતરોજ કાપડ દલાલ સંદીપ ડોબરીયા, અમદાવાદ કાલુપુર રાધાક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટ સ્થિત જયઅંબે ક્રીએશનના વિજય જગદીશકુમાર ગુરનાની, અમદાવાદ વાણિજ્ય ભવન પાસે સફલ સ્કવેરમાં શ્રી સીધ્ધીવિનાયક ટ્રેડીંગન મનોજ ક્રિપલાની, અમદાવાદ સફલ 1 માર્કેટની બાજુમાં વીઆઈપી માર્કેટ સ્થિત આર.વી.ક્રીએશનના રમેશ રામઉજાગર પાઠક તેમજ વિશાલ નવલાની વિરુદ્ધ રૂ.12.80 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.જે.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.