મોટી કાર્યવાહી: ઇલેક્ટ્રોથર્મના કૌભાંડી શૈલેષ ભંડારીની સાથે 2 IPS, 3 DySP, અને PSI સામે ફરિયાદ
કર્મચારી સાથે કંપની બનાવી રૂ. 400 કરોડની બેંક લોન લેવાનો પ્લાન ખુલ્લો પડી જતાં અપહરણ
ગાંધીધામ, શનિવાર
સરકારી બેંકો સાથે બોગસ બિલિંગ થકી રૂપિયા 632 કરોડના બેંક લોન કૌભાંડ બાદ ઈલેક્ટ્રોથર્મ લિમિટેડના ભંડારી બંધુઓ સામે કર્મચારીના અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની વધુ એક પોલીસ ફરિયાદ કચ્છ પોલીસે નોંધી છે. નવા વર્ષ જૂના આ કેસમાં પાંચ વર્ષ સુધી ભોગ બનેલાની કાયદાકીય લડાઇ અને સુપ્રીમ કોર્ટના આદેશના એક મહિના પછી આ ફરિયાદમાં ભંડારી, બે આઇપીએસ સહિત પોલીસ અધિકારીઓ અને 18 વ્યક્તિઓ સામેલ છે.
આ કેસમાં ભોગ બનેલા અંજારના પરમાનંદ શીરવાણીનો આરોપ છે કે, ઈલેક્ટ્રોથર્મના મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી, તેના ભત્રીજા મુકેશ ભંડારીએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ એક કંપની ઉભી કરી હતી. પરંતુ, ઈલેક્ટ્રોથર્મના બોગસ બિલિંગ લોન કૌભાંડની જેમ જ નવી કંપની થકી રૂપિયા 400 કરોડની લોન લઇને તે પચાવી પાડવાની શક્યતા હતી. ફરિયાદી પરમાનંદે પોતાને બચાવવા રાજીનામું આપતાં અપહરણની ઘટના બની હતી.
રૂપિયા 400 કરોડનું લોન કૌભાંડ કરવા 8 વર્ષ જૂનાં બનાવમાં પોતાના જ કર્મચારીનું બંદૂકના નાળચે અપહરણ કરી ગોંધી રાખીને મૃત્યુનો ભય બતાવી નાણાં, ઘરેણાં, વાહનો પડાવી, બળજબરીથી કોરાં પેપર પર સહી કરાવી મિલ્કત લખાવી લેવાની ઘટનામાં ઈલેક્ટ્રોથર્મ કંપનીના એમડી અને સ્ટાફ સામે ગુનો દાખલ થયો છે. તે ઉપરાંત જે-તે સમયે જવાબદાર પોલીસ અધિકારીઓએ ગુનો દાખલ ના કર્યો હોવાથી હાઈકોર્ટના આદેશ મુજબ પૂર્વ કચ્છના બે પૂર્વ એસપી, ત્રણ પૂર્વ ડીવાયએસપી અને એક પીએસઆઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે.
ફરિયાદી અને તેની પત્નીને તેમાં ડાયરેક્ટર બનાવ્યા હતા અને ફરિયાદીના નામે રેન્ટ એગ્રીમેન્ટ વગેરે તૈયાર કરાવ્યા હતા. દરમિયાન આરોપીઓ રૂ. 400 કરોડની લોન લઈ લીધા બાદ રૂપિયા હજમ કરી જશે અને પરિવારને મારી નાખશે તેવી ગંધ આવી જતાં ફરિયાદીએ નોકરીમાંથી રાજીનામું ધરી દીધું હતું. જેથી આરોપીએ ફરિયાદીને અમદાવાદ ખાતે બોલાવ્યો હતો. દરમિયાન 1-12-2015ના રોજ ફરિયાદી અમદાવાદ જતાં હતા ત્યારે આરોપી ભંડારીના ઈશારે કંપનીના સિક્યોરિટી કર્મીઓએ બંદૂકના નાળચે કારમાં ફરિયાદીનું અપહરણ કરી અમદાવાદ ખાતે ભંડારીના બંગલો, ઓફિસ અને ફાર્મ હાઉસ લઈ જઈ પાંચ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. જે દરમિયાન ફરિયાદી પરમાનંદ સાથે સતત મારકૂટ કરવામાં આવી હતી અને ફરિયાદીની પત્ની ખુશીબેન પાસેથી કોરા કાગળ અને સ્ટેમ્પ પેપર પર બળજબરીથી સહી કરાવી તેમજ બળજબરીથી મિલકત લખાવી લઈ ઘરમાંથી 20 લાખ રોકડાં તથા 10 લાખના સોનાના ઘરેણાં પડાવી લીધાં હતાં. ઉપરાંત આરોપીઓએ પરમાનંદની સિયાઝ કાર તથા બનાવના સાક્ષી મુકેશ ક્રિપલાણીના ત્રણ ડમ્પરોનો બળજબરીથી કબજો લઈ, ટીટીઓ ફોર્મમાં સહી કરાવી લીધી હતી. આ ઉપરાંત ખુશીબેનના બેન્કમાંથી 45 લાખ ટ્રાન્સફર કરાવી અને વધુ રૂ. 10 લાખ રોકડા કઢાવી લીધાં હતાં. સમગ્ર ઘટના મામલે અપહરણ માથી છૂટયા બાદ ફરિયાદી પરમાનંદ અને તેની પત્ની આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા દોડી ગયાં હતા પરંતુ આદિપુર પોલીસે એફઆઈઆર દાખલ કરી નહોતી. આ મામલે પરમાનંદે રાજ્યના પોલીસ વડાથી લઈ હાઈકોર્ટ સુધી અરજીઓ કરી હતી. પરમાનંદે આરોપ કર્યો કે આરોપી ભંડારીના ઈશારે પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે ઉલટાનું સામખિયાળીમાં ફરિયાદીને જ ખોટી ફરિયાદમાં ફીટ કરી દીધો હતો.
આ મામલે ફરિયાદી પરમાનંદે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટીશન અંતર્ગત 10-10-2019ના રોજ હાઈકોર્ટે તમામ લોકો સામે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. પરંતુ, ભંડારીએ સુપ્રીમ કોર્ટમાં જઈ હાઈકોર્ટના હુકમ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો. આ સમગ્ર બનાવમાં હાઇકોર્ટનો હુકમ હોવા છતાં અને અપહરણ અને લૂંટના બનાવ અંગેના પૂરાવા હોવા છતાં જેતે સમયના બે એસપી અને ત્રણ ડીવાયએસપીએ કોઈ ગુનો બનતો ના હોવાના ક્લોઝર રિપોર્ટ આપી ફરિયાદ દાખલ કરી નહોતી. દરમિયાન આરોપીએ સુપ્રીમ કોર્ટમાં જઇ ફરિયાદ પર મનાઈ હુકમ મેળવ્યો હતો. પરંતુ તા. 16-1-2024ના રોજ સુપ્રીમ કાર્ટનો મનાઈ હુકમ હટી જતાં અંતે બોર્ડર ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઈટી કંપનીના એમડી, કર્મચારીઓ અને 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
અપહૃત ફરિયાદી સિક્યુરિટીની મદદથી અમદાવાદ છૂટી શક્યો
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં જુદી જુદી જગ્યાએ તેમને લઈ જઇ ગોંધી રાખ્યા બાદ તેમના સાથે મારકૂટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની તબિયત બગાડતાં ખાનગી ડોક્ટરને લઈ આવી સારવાર પણ કરાવવામાં આવી હતી. દરમિયાન તા. 5-12-15ના આરોપી બલદેવ રાવલ અને સંજય જોશી એ પેટી લઈને આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડને સૂચના આપી હતી કે ફરિયાદીને મારી નાખી તેના મોબાઈલ સહિત પેટીમાં નાખી કંપનીના ભઠ્ઠામાં નાખી દો પરંતુ સિક્યુરિટી ગાર્ડે તેમ કરવાની ના કહી દીધી હતી. દરમિયાન એક ગાર્ડે ફરિયાદીને તેનો મોબાઈલ પરત આપી પાછળનો રસ્તો બતાવી ભાગવાનુ કહેતા ફરિયાદી ભાગી અને સોલા સિવિલમાં સારવાર કરાવી હતી.