વડોદરા હોનારતમાં 18 સામે ફરિયાદ, મૃત્યુઆંક 14 થયો, ઘટના પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે
વડોદરા પોલીસ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે
ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે
Vadodara Harani lake boat incident : વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક 14 થઈ ગયો છે જેમાં 15 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ બનાવમાં મોડી રાત્રે હરણી પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેક્ટના ભાગીદારો તેમજ અન્ય જવાબદારો મળી કુલ 18 જણા સામે બેદરકારી રાખી બાળકોના મોત નીપજાવવા બદલ ગુનો દાખલ કર્યો છે તેમજ આ મામલે વડોદરા પોલીસ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
18 લોકો સામે ગુનો દાખલ કરાયો
વડોદરામાં 18 જાન્યુઆરી એટલે કે ગુરુવારે બનેલી કરુણ ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા બાદ આજે મૃત્યુઆંક 14 થઈ ગયો છે. આ ઘટનાને પગલે મોડી રાત સુધી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટનાનો 10 દિવસમા તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આ દુર્ઘટના મામલે કલમ 304, 308, 337, 338, 114 મુજબ 18 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
કંપનીના ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ
માહિતી અનુસાર રૂંવાડા ઊભા કરી દેતી આ ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બિનિત કોટિયા રાજકીય રીતે વગદાર માણસ છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
બોટ જર્જરીત હતી, દોરડાના ઠેકાણા ન હતા, લાઈફ જેકેટ પહેરાવ્યા ન હતા
ઉપરોક્ત બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન બોટનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર તેમજ તેમના મળતીયાઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. બોટના દોરડા તેમજ અમુક પાર્ટ્સ જર્જરીત હતા. વેલ્ડીંગ કરાવતા હતા તેમજ કેટલાક બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હતા. આ ઉપરાંત ચેતવણીના બોર્ડ પર મૂકવામાં આવ્યા ન હતા. ઉપરોક્ત બનાવ બાદ પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર બિનિત કોટીયા, હિતેશ કોટીયા સહિત 18 સામે તાત્કાલિક FIR દાખલ કરી હતી.
આરોપીઓના નામો આ મુજબ છે.
(1) બિનિત કોટીયા
(2) હિતેશ કોટીયા
(3) ગોપાલદાસ શાહ
(4) વત્સલ શાહ
(5) દીપેન શાહ
(6) ધર્મીલ શાહ
(7) રશ્મિકાંત સી. પ્રજાપતિ
(8) જતીનકુમાર હરિલાલ દોશી
(9) નેહા ડી દોશી
(10) તેજલ આશિષકુમાર દોશી
(11) ભીમસીમ કુડીયા રામ યાદવ
(12) વેદ પ્રકાશ યાદવ
(13) ધર્મીન ભટાણી
(14) નુતનબેન પી શાહ
(15) પાર્વતીબેન પી શાહ
(16) લેક ઝોનના મેનેજર સોલંકી
(17) બોટ ઓપરેટર નયન ગોહિલ અને
(18) અંકિત. જે પૈકી પોલીસે મેનેજર અને બે બોટ ઓપરેટરની ધરપકડ કરી છે.
ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં એક હોડી પલટી મારી જતાં 14ના મોત થયા હતા, આ ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી તળાવ ઝોનમાં એક લાઇન બનાવીને પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકો પણ દેખાઇ રહ્યા છે
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારને રૂ. બે લાખના વળતરની જાહેરાત
વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે 'X' પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’