ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારીઓ, દિલ્હીમાં સમિતિની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
Uniform Civil Code in Gujarat: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC-યુનિફોર્મ સિવિલ કોડ) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક મળી હતી. રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે મળી હતી. બેઠકમાં સમિતિના અધ્યક્ષ રંજનાબેન દેસાઈ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય માટે પ્રસ્તાવિત UCCના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સમિતિનું હેડ ક્વાર્ટર દિલ્હી રહેશે. ફેબ્રુઆરીના અંતમાં સમિતિ ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં લોકોને મળશે.
સમિતિએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી
રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. આનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સુમેળને સુનિશ્ચિત કરતું પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો છે.
આ પણ વાંચો: UCC: યુનિફોર્મ સિવિલ કોડ શું છે? કેમ છે જરૂરી, શું થશે અસર, સરળ ભાષામાં સમજો
સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશીતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થવાથી ગુજરાતમાં શું થશે ફેરફાર?
- લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે. ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે.
- જાતિ, ધર્મ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે. હાલમાં, દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદાઓ દ્વારા આ બાબતોનો ઉકેલ લાવે છે.
- બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ હશે, પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય.
- બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
- હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે. છોકરીઓને છોકરાઓ જેટલો જ સંપત્તિમાં હિસ્સો મળશે.
- લિવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરાવવી પડશે. આધાર કાર્ડ ફરજિયાત રહેશે. 18 થી 21 વર્ષની વયના યુગલોએ તેમના માતાપિતાનો સંમતિ પત્ર સબમિટ કરવાનો રહેશે.
- લિવ-ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકને પરિણીત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે.
- સમાન નાગરિક સંહિતાના આ ડ્રાફ્ટમાં, અનુસૂચિત જનજાતિઓ(ST)ને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર અને પૂજા પ્રથાઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલગીરી કરવામાં આવી નથી.
ભારતમાં UCC લાગુ કેમ નથી થઈ શક્યું?
યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ પહેલીવાર 1835માં એટલે કે બ્રિટીશકાળમાં થયો હતો. તે સમયે બ્રિટિશ સરકારના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ગુનાઓ, પુરાવા અને કરાર જેવા મુદ્દાઓ પર સમાન કાયદા લાગુ કરવાની જરૂર છે. ભારતીય બંધારણની કલમ 44 તમામ નાગરિકો માટે સમાન કાયદાના અમલીકરણની વાત કરે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની વિવિધતાના કારણે એક જ પરિવારના સભ્યો પણ કોઈવાર અલગ-અલગ રિવાજોનું પાલન કરતા હોય છે તેથી હજુ સુધી ભારતમાં તેનો અમલ થયો નથી. ભારતમાં વસ્તીના આધારે હિંદુઓની બહુમતી છે. તેમાં છતાં અલગ અલગ રાજ્યોમાં તેમના રિવાજોમાં તફાવત જોવા મળે છે. આ ઉપરાંત દેશમાં શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે જેવા તમામ ધર્મોના લોકોના પોતાના અલગ કાયદાઓ છે. આવી સ્થિતિમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો ખૂબ જ અઘરો છે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય
યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિ, પુત્રીઓના અધિકારો, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સહિતના પારિવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નિયમો તમામ ધર્મના લોકોને એક સમાન રીતે લાગુ રહેશે, એટલે કે ઉત્તરાખંડમાં હવેથી હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વગેરેના જે ધર્મ આધારીત પર્સનલ લૉ હતા તેનો અમલ રદ કરવામાં આવશે અને એક સમાન કાયદો બધા માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. લગ્નની નોંધણીથી લઈને છૂટાછેડા કે તલાક વગેરેની પ્રક્રિયા તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે. લગ્ન કે નિકાહની લઘુતમ વય મર્યાદા પણ દરેક માટે એક સરખી રહેશે.
ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરીને તમામ નાગરિકોને આ યુસીસી લાગુ રહેશે. યુસીસી લાગુ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં એસડીએમ રજિસ્ટ્રાર અને ગ્રામ પંચાયત વિકાસ અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે, નગર પંચાયતો અને નગર પાલિકાઓમાં સંબંધિત એસડીએમ રજિસ્ટ્રાર અને કાર્યકારી અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે. ટોચના સ્તરે રજિસ્ટ્રાર જનરલ હશે જે સચિવ સ્તરના અધિકારી કે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન રહેશે.
સમગ્ર વિશ્વમાં યુનિફોર્મ સિવિલ કોડ ક્યાં લાગુ કરવામાં આવ્યો છે?
વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા, આયર્લૅન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઈજીપ્ત જેવા ઘણા દેશોના નામ સામેલ છે. યુરોપમાં એવા ઘણા દેશો છે, જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે, જ્યારે ઇસ્લામિક દેશો શરીયા કાયદાનું પાલન કરે છે.