Get The App

કોમર્સ ફેકલ્ટીમાં ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાનો નિર્ણય રદ કરવા હિલચાલ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીમાં ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાનો નિર્ણય રદ કરવા હિલચાલ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ  ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે દરેક સેમેસ્ટરમાં ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાનો નિર્ણય લાગુ થયાના બે જ મહિનામાં રદ કરવાની હિલચાલ શરુ થઈ છે.

નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસનું સતત મૂલ્યાંકન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેના ભાગરુપે કોમર્સ ફેકલ્ટીએ આ  વર્ષથી એફવાયના વિદ્યાર્થીઓ માટે ૧૫,૧૫ અને ૨૦ માર્કની એમ ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.એફવાયના પહેલા સેમેસ્ટરમાં ત્રણ પરીક્ષા લેવામાં પણ આવી હતી.જોકે હવે બીજા સેમેસ્ટરની શરુઆત થઈ છે ત્યારે ફેકલ્ટી સત્તાધીશો આ નિર્ણય પાછો ખેંચવા  માટે વિચારણા કરી રહ્યા છે.તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેના પર ચર્ચા પણ થઈ હતી.

સૂત્રોનું કહેવું છે કે, ત્રણ ઈન્ટરનલ પરીક્ષાની જગ્યાએ સત્તાધીશો ૫૦ માર્કની એક જ ઈન્ટરનલ પરીક્ષા લેવા માગે છે.જેમાં ૨૫  માર્કના એમસીક્યૂ પ્રશ્નો અને ૨૫ માર્કના  થિયરી આધારિત લાંબા પ્રશ્નો હશે.ત્રણ ઈન્ટરનલ પરીક્ષા નહીંં લેવા પાછળ અધ્યાપકોને સતત પરીક્ષા લક્ષી જ કામગીરી કરવી પડે છે તેવો તર્ક પણ અપાઈ રહ્યો છે.

જો આ પ્રકારનો નિર્ણય લેવાશે તો  વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકનનો હેતુ માર્યો જશે.ઉપરાંત ઈન્ટરનલ પરીક્ષા અને એક્સટર્નલ એટલે કે ફાઈનલ પરીક્ષાના માર્કસ પણ એક સરખા થઈ જશે.જોકે , ફેકલ્ટી ડીન જે કે પંડયાને પૂછતા તેમણે કહ્યું હતું કે, હજી સુધી આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.જો કોઈ ફેરફાર કરવામાં આવશે તો અંગે  વિદ્યાર્થીઓને અગાઉથી જાણકારી આપવામાં આવશે.


Google NewsGoogle News