ઈકો ઝોન રદ કરવા એકસાથે 196 ગ્રામ પંચાયતોનો સામૂહિક ઠરાવ
ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી ગ્રામસભાઓમાં વિરોધ : 3 જિલ્લાના 11 તાલુકાના ગામડાના લોકો દ્વારા આઝાદી બાદ પ્રથમવાર
પક્ષાપક્ષીથી દૂર રહી નિર્ણય
જૂનાગઢ, : કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણીયા, મિતીયાળાની ફરતી તરફ ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની
ગતિવિધીઓ ચાલી રહી છે, જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. આ તમામ ગામમાં આજે એકીસાથે ઈકો
સેન્સિટિવ ઝોનને રદ કરવાની માંગણી સાથેના ઠરાવ ગ્રામ સભાઓમાં કરવામાં આવ્યા છે. આટલો મોટો વિરોધ આઝાદી બાદ કદાચ
પ્રથમવાર જ થયો હશે. ગ્રામસભાઓમાં એકીસાથે ઠરાવ થતા સરકાર અને વન વિભાગમાં અંદરખાને ભારે દોડધામ મચી ગઈ છે.
ઈકો સેન્સિટીવ ઝોન લાગુ કરવા માટે ગત તા. 18 સપ્ટેમ્બર 2024ના પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામું બહાર
પડતાની સાથે જ ગીર પંથકમાં વિરોધનો સૂર ઉઠવા માંડયો હતો. ગામડાના લોકો વન વિભાગની નીતિ-રીતિથી ત્રસ્ત બની ગયા છે.
તેમાંય ઈકો સેન્સિટીવ ઝોન લાગુ થવાથી વન વિભાગ ખેડૂત સહિતના સ્થાનિકો પર હાવી થઈ જશે તેવો ભય છે. આવી સ્થિતિના કારણે
ઈકો ઝોનનો વિરોધ ઉગ્ર બની ગયો છે. કોઈપણ ભોગે ગામડાઓમાં ઈકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તેના માટે સ્થાનિકો અને આગેવાનો
મક્કમ બની ગયા છે. આજે ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
આયોજનમાં ત્રણ જીલ્લાના 11 તાલુકાના ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા 196 ગામડાઓમાં એકી સાથે ઈકો ઝોનનો વિરોધ કરતા સામૂહિક
ઠરાવ કરવામાં આવ્યા છે. ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર અને સ્થાનિકો આમનેસામને આવી ગયા છે.
આજે યોજાયેલી ગ્રામ સભામાં હાજર ગ્રામજનોએ કોઈપણ ભોગે અમારા ગામમાં ઈકો સેન્સિટિવ ઝોન લાગુ નહી થવા દઈએ તેવો મક્કમ
નિર્ધાર કર્યો હતો અને વહિવટી પ્રક્રિયાના ભાગરૃપે તમામ ગ્રામ પંચાયતોમાં ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધ કરતા ઠરાવ કરવામાં આવ્યા
છે. સિંહના અંતિમ નિવાસ સ્થાન માટે સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા બનેલા સાસણની ગ્રામ પંચાયતે પણ ઠરાવ કરી વિરોધ કર્યો છે.
એકીસાથે આટલી મોટી સંખ્યામાં ગામડાઓમાં એકી સૂરે વિરોધ ઉઠયો હોય તેવો આઝાદી બાદ કદાચ આ પ્રથમ કિસ્સો હશે. આ વિરોધ
પરથી નક્કી થાય છે કે, વન વિભાગનો કેટલી હદે ત્રાસ હશે ! મોટાભાગે તેના કારણે તમામ ગામડાઓએ એકી અવાજે વિરોધનો સૂર
ઉઠાવવો પડયો છે.