Get The App

વડોદરામાં કોલ્ડેસ્ટ ડે ઃ સિઝનનું સૌથી નીચું ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું

દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ ઃ ઉત્તર પૂર્વના ઠંડા પવનોથી લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાયા

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
વડોદરામાં કોલ્ડેસ્ટ ડે ઃ સિઝનનું સૌથી નીચું ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું 1 - image

વડોદરા, તા.9 વડોદરામાં શિયાળાની ઋતુમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો. આજે ૯.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. ઠંડા પવનોએ લોકોને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવ્યો  હતો.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસના પ્રારંભ સાથે જ ઠંડીનો ધીમે ધીમે વધારો થયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો સતત ઘટતો જતો હતો અને આજે ઠંડીનો પારો હાલની શિયાળાની સિઝનમાં સૌથી નીચો પહોંચી ગયો હતો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને ફરવું પડે તેવું વાતાવરણ સર્જાયું હતું. ઠંડીથી બચવા લોકોએ કેટલાંક સ્થળોએ તાપણાંનો પણ સહારો લેવો પડયો હતો.

ડિસેમ્બરના મધ્યમાં સૌથી નીચે ૧૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ તાપમાન સામાન્ય રહેતું હતું પરંતુ ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૃ થયો છે અને લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. રાત્રિના સમયે કોઇ અગત્યના કામ વગર બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો તેમજ વૃધ્ધોને બહાર નહી નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ઠંડીનું જોર આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ હવામાનખાતાએ જણાવ્યું  હતું.

સૂત્રોએ કહ્યું હતું કે વડોદરામાં મહત્તમ તાપમાન ૩૦.૨ તેમજ લઘુત્તમ તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા બે દિવસમાં ગરમીનો પારો પાંચ ડિગ્રી સુધી ઘટયો હતો. આ ઉપરાંત ઉત્તર પૂર્વના ૪ કિલોમીટરની ઝડપના ઠંડા પવનોના કારણે વધારે ઠંડી લોકો અનુભવતા હતાં. 




Google NewsGoogle News