જામનગરમાં શહેર જિલ્લામાં બરફીલા ઠંડા પવને શહેરીજનો અને પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા : તાપમાન 12.5 ડિગ્રી
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જેમાં કાતિલ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે. ગઈકાલે મોડી સાંજથી અને આજે વહેલી સવારે પવનની તીવ્રતા વધીને પ્રતિ કલાકના 35 કિમી સુધી પહોંચી હતી, અને ઠંડીની ધ્રુજારી અનુભવાઇ હતી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યા બાદ સુકા બરફીલા ઠંડા પવનને કારણે શહેરીજનો તેમજ પશુ પક્ષીઓ થર થર કાપ્યા હતા. ગઈકાલે રવિવારે સાંજે રજાના દિવસે પણ જાહેર માર્ગો પર લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, તેમજ આજે પણ વહેલી સવારથી ઠંડા પવનને લીધે લોકોએ મોડેથી ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાય અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 26.0 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકને 30 થી 35 કિ.મીની ઝડપે રહી હતી.