વડોદરામાં ઠંડીનો ચમકારો વધ્યો : આજે 'કોલ્ડેસ્ટ ડે', પારો ઘટીને 11 ડિગ્રી થયો
Vadodara Winter Season : વડોદરામાં ઉત્તર ભારતના ફૂંકાઈ રહેલા ઠંડા પવનને કારણે શિયાળાના દોઢ મહિના બાદ જણાયેલા ઠંડીના ચમકારામાં આજે 'કોલ્ડેસ્ટ ડે'ની ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો. આજે સવારે ઉષ્ણતામાનનો પારો 4 અંશ સેન્ટિગ્રેડ ઘટીને આજે સવારે 11 અંશ થતા આ સિઝનમાં સૌથી ઓછું તાપમાન થયું છે. વાતાવરણમાં સતત બે દિવસ સુધી 4-4 અંશ સેન્ટીગ્રેડ ઘટતા આ પરિણામ આવ્યું છે. આમ વાતાવરણમાં પ્રથમ વખત ઠંડીનો ચમકારો જણાતાં ઉની વસ્ત્રો વેચાણ કરતા વેપારીઓમાં ખુશી વ્યાપી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર તરફના આવતા પવનને કારણે ઠંડીની તીવ્રતા હવે વધવાની શક્યતા છે જેથી લઘુતમ તાપમાન નો બાળો હજી પણ બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે તેવી શક્યતા છે. શનિવારે 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. જે શુક્રવારે 19.6 ડિગ્રી હતો અને આજે સોમવારે ઘટીને 11 અંશ થયો છે. ઉત્તર તરફના ફૂંકાયેલા ઠંડા પવનની અસર જનજીવન પર પણ જોવા મળી છે. લારી-ગલ્લા, પથારા અને દુકાનદારો પણ ઠંડીના ચમકારાના કારણે વેપાર ધંધા બંધ કરીને રાત્રે વહેલા ઘેર જવાનું પસંદ કરે છે.