વડોદરામાં હજી કડકડતી ઠંડી તાપમાનનો પારો ૧૦.૨ ડિગ્રી નોધાયો
કોલ્ડેસ્ટ ડે બાદ તાપમાનનો પારો સામાન્ય વધ્યો ઃ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ
વડોદરા, તા.15 ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી બરફવર્ષાની અસરના કારણે વડોદરા શહેરમાં તીવ્ર ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આજે પણ ઠંડીનો પારો ૧૦.૨ ડિગ્રી નોંધાયો હતો.
વડોદરામાં ફરી એક વખત આજે ઠંડા પવનોએ વડોદરાવાસીઓને ધુ્રજાવ્યા હતા. ગત સપ્તાહે શહેરનું તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને ગઇકાલે તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રી પર પહોંચતા વર્તમાન શિયાળાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. ત્યારબાદ આજે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું અને શહેર કાતિલ ઠંડીમાં ફેરવાયું હતું. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડી લોકો અનુભવી રહ્યા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધીને ૨૯.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ સામાન્ય ૦.૨ ડિગ્રી વધીને ૧૦.૨ ડિગ્રી નોંધાયો હતો. સાથે સાથે ઉત્તર પૂર્વના પવનની ઝડપ પણ પ્રતિ કલાક ૬ કિલોમીટરની રહી હોવાથી લોકોએ સતત ઠંડીનો અનુભવ કર્યો હતો.
સવારે તાપના કારણે લોકોએ રાહત અનુભવી હતી પણ સૂર્યનારાયણની વિદાય બાદ સાંજના ફરી એક વખત બર્ફિલા પવનોથી બચવા માટે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું હોવાના કારણે મોડી રાત બાદ રસ્તા પરની અવર જવરમાં ઘટાડો થઈ રહ્યો છે. ખુલ્લામાં બેસતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.