પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશઃ ૩ જવાનોનાં મોત
રન-વે પર લેન્ડ કરતી વખતે દુર્ઘટના
એરપોર્ટ સંકુલમાં કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે લેન્ડ કરતી વખતે ટેકનિકલ ખામી થતાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી
પોરબંદરના એરપોર્ટ પર રનવે પાસે બનેલી આ દુર્ઘટનાની વિગત
એવી છે કે કોસ્ટ ગાર્ડનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધુ્રવ તેની રૃટીન કામગીરી કરીને
પરત ફર્યું હતું અને પોરબંદરના એરપોર્ટ ઉપર રનવે ખાતે લેન્ડ થતું હતું ત્યારે
અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને જોતજોતામાં તે
અગનગોળો બની ગયું હતું.
બપોરે ૧૨.૧૦ મિનિટે થયેલી આ દુર્ઘટનાની જાણ થતા એરપોર્ટ
સંકુલમાં જ આવેલ કોસ્ટ ગાર્ડ એર એનકલેવ ખાતેથી અને એરપોર્ટમાંથી ફાયર ફાઈટર પહોંચી
ગયા હતા. તે ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના ફાયર ફાઈટરને પણ દોડાવવામાં આવતા બે
ફાયર ફાઈટર સાથે જવાનો પહોંચી ગયા હતા અને તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો
હતો.
જો કે,
ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવતા હતા એ દરમિયાન જ હેલિકોપ્ટર
સંપૂર્ણપણે સળગી ગયું હતું અને તેમાંથી ત્રણ જવાનોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ
મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
હેલિકોપ્ટરમાં રહેલા કમાન્ડન્ટ સૌરભ (ઉ.વ.૪૧), ડેપ્યુટી
કમાન્ડન્ટ સુધીરકુમાર યાદવ (ઉ.વ.૩૩) અને પ્રધાનમંત્રી નાવિક મનોજ કુમાર (ઉ.વ.૨૮)ને
સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને
મૃત જાહેર કર્યા હતા. ખૂબ જ ગંભીર હાલતમાં સળગી ગયેલા મૃતદેહનું પેનલ ડોક્ટર
દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા માટે જામનગર લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.