Get The App

SMCએ સુરતની 'બદસૂરત' સફેદ કાપડથી છુપાવી, મુખ્યમંત્રીના રૂટ પરની ગંદકી પડદાથી કોર્ડન કરાઈ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
SMCએ સુરતની 'બદસૂરત' સફેદ કાપડથી છુપાવી, મુખ્યમંત્રીના રૂટ પરની ગંદકી પડદાથી કોર્ડન કરાઈ 1 - image


Surat : ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના રૂટ પર વર્ષોથી એક ખાડો છે તે મુખ્યમંત્રીને દેખાઈ નહી જાય તે માટે પાલિકા તંત્રએ આ ખાડાને સફેદ કપડાથી કોર્ડન કરી લીધો હતો. ડભોલી બીઆરટીએસ રૂટ પર લોકોની વર્ષો જુની સમસ્યા પાલિકા હલ કરી શકતી નથી આ ખાડો મુખ્યમંત્રી જોઈ જાય તો શરમ લાગે તેથી પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દીધો હતો તેવું લોકો કહી રહ્યાં છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા તેઓ વેડ વિસ્તારમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના હતા. મુખ્યમંત્રી એરપોર્ટથી વેડ તરફ જાય તે રૂટ પર ડભોલી બ્રિજ બાદ શ્યામ દર્શન સોસાયટી આવે છે. આ સોસાયટી અને બીઆરટીએસ રૂટ લાગુ ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી મોટો ખાડો છે. આ ખાડામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી રોગચાળો ફેલાવવાનો સાથે અકસ્માત થાય તેવી ભીતિ હોવાની ફરિયાદ વર્ષોથી થઈ રહી છે.

આમ તો સુરત પાલિકા ખાનગી માલિકીની જગ્યામાં પાણીનો ભરાવો થાય તો લાખો રૂપિયાનો દંડ કરે છે પરંતુ આ ખાડો વર્ષોથી લોકો માટે આફતરૂપ બની રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર આ ખાડો પુરવા કે જમીન પાલિકા પાસે પુરાવવા કોઈ નક્કર પગલાં ભરતી નથી. જેના કારણે આ ખાડો સ્થાનિકો માટે આફતનો ખાડો બની ગયો છે. 

SMCએ સુરતની 'બદસૂરત' સફેદ કાપડથી છુપાવી, મુખ્યમંત્રીના રૂટ પરની ગંદકી પડદાથી કોર્ડન કરાઈ 2 - image

આ ખાડા પર પાલિકા ધ્યાન આપતી નથી પરંતુ ગઈ કાલે રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટથી ડભોલી બ્રિજથી ડભોલી બીઆરટીએસ રૂટથી વેડ તરફ જવાના હતા. તે રૂટ પર રોડની બરાબર બાજુમાં જ મોટો ખાડો છે. પાલિકાની નિષ્ફળતાનો ખાડો મુખ્યમંત્રી જોઈ ન જાય તે માટે પાલિકાએ ખાડો પુરવાના બદલે ખાડાની ફરતે સફેદ કાપડ બાંધીને કોર્ડન કરી દીધું હતું. 

એક તરફ ગુજરાત માટે સુરત મોડેલ હોવાની વાત મુખ્યમંત્રી અને વડાપ્રધાન કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ લોકોની સમસ્યાનો ખાડો પુરવા માટે પાલિકા કોઈ કામગીરી કરતી નથી તેમાં પણ આજે ખાડાની ફરતે પડદા બંધાતા લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે, આ ખાડો મુખ્યમંત્રી જોઈ જાય તો શરમ લાગે તેથી પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દેવામાં આવ્યો છે. એક દિવસ લોકો આક્રોશપૂર્ણ રીતે કહે છે, મુખ્યમંત્રી જોઈ ન જાય તે માટે ખાડો ઢાંકી દેવામાં આવ્યો છે પરંતુ લોકોને આ ખાડાની કાયમી સમસ્યામાંથી દુર કરવા માટે પાલિકાએ કામગીરી કરવી જોઈએ.


Google NewsGoogle News