પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામનારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ વતન લવાયા, રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
Bhavanagar News : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ગઈકાલ મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આજે (બુધવાર) ભાવનગરના મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. સુરતના આશાસ્પદ યુવક શૈલેષભાઈ કળથિયાના મૃતદેહ દિલ્હીથી સુરત એરપોર્ટ લવાયો છે.
ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોમાં યિતેશ અને સ્મિત પરમારના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે અને યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 ગુજરાતીઓના મૃતદેહો સાંજે વતન લવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જવા રવાના થયા છે, ત્યારે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની આવતીકાલે ગુરુવારે અંતિમ યાત્રા નીકળશે. મૃતકોના પરિવારજનોને મળીને સાત્વના પણ પાઠવશે. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજર રહેશે. આજે પ્રફુલ પાનસેરિયા અને સીઆર પાટીલે મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
જમ્મુ કાશ્મીર હુમલાના મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ભોગ બનનારા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકાર મૃૃતકોના પરિવાજનોને 5-5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયાની સહાય કરશે.