રહેણાંકમાં ૩૫૦ હોસ્ટેલ,પી.જી,લાઇબ્રેરીને ક્લોઝર નોટીસ
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ મંજૂરી વગર
ફાયર સેફટી અને ગેરકાયદે વપરાશ સંબંધે ૩૦ દિવસ અગાઉ નોટીસ
અપાઇ હતી ઃ હવે સીલીંગ કરાશે
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેણાંકની જગ્યામાં છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલ પીજી અને લાઇબ્રેરીઓ ચાલી રહી છે ત્યારે ફાયર સેફ્ટી તેમજ ગેરકાયદેસર વપરાશ સંદર્ભે અગાઉ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્યારે હવે કોર્પોરેશને ૩૫૦થી વધુ આ એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે અને આગામી દિવસમાં વપરાશ બંધ કરવા તાકીદ કરી છે નહીંતર સીલીંગ સુધીની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા
ઘણા સમયથી કોમશયલ પ્રવૃત્તિ વધી રહી છે જોકે આ સંદર્ભે અવારનવાર વસાહતીઓ દ્વારા
ફરિયાદ કરવામાં આવતી રહી છે પરંતુ કોઈ તંત્ર દ્વારા તેની ઉપર ધ્યાન આપવામાં આવતું
નથી. આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર શહેર અને આજુબાજુમાં આવેલા રહેણાંક
વિસ્તારમાં પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કેટલીક જગ્યાએ મકાનોની અંદર
હોસ્ટેલ, પી જી
અને લાઇબ્રેરી તેમજ ક્લાસીસ ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું . ૩૫૦ જેટલા એકમોમાં
જીપીએમસી એક્ટ મુજબ નોટીસ પાઠવવામાં આવી હતી અને ૩૦ દિવસમાં આ વપરાશ બંધ કરી દેવા
માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ આ સંચાલકો દ્વારા કોર્પોરેશનની નોટીસને અવગણી
દેવામાં આવી છે અને હજી સુધી વપરાશ ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે રહેણા વિસ્તારમાં
ચાલતી આ બીન અધિકૃત હોસ્ટેલો અને પી જીને કારણે અહીં પાણી અને સુએજના પ્રશ્નો પણ
ઊભા થતા હોય છે સ્થાનિકો દ્વારા પણ આ સંદર્ભે ફરિયાદો કરવામાં આવતી રહી છે. જેના
પગલે હવે મહાનગરપાલિકા દ્વારા આ તમામ ૩૫૦ એકમોને ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી છે
અને જો આગામી દિવસમાં રહેણાક વિસ્તારમાં આ કોમશયલ વપરાશ બંધ કરવામાં નહીં આવે તો
તેમની મિલકત સીલ કરી દેવા સુધીના પગલાં પણ ભરવામાં આવનાર છે. ત્યારે હવે
કોર્પોરેશન ક્યારથી આ સીલીંગની ઝુંબેશ હાથ ધરે છે તો જોવું રહ્યું.
ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓના મકાનોમાં જ હોસ્ટેલોના
ધમધમાટ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રહેણાક વિસ્તારમાં ચાલતી
હોસ્ટેલ,લાઇબ્રેરી
અને પીજીને બંધ કરવા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે ત્યારે શહેરમાં સેક્ટર ૧,૮ અને સેક્ટર
૬માં ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવેલા ૩૫૦ મીટરના પ્લોટમાં હોસ્ટેલો
ધમધમી રહી છે ત્યારે તેની સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે
નહીં તે જોવું રહ્યું. કેમ કે આ વિસ્તારના વસાહતીઓ પણ ઘણા સમયથી આ હોસ્ટેલો બંધ
કરાવવા રજૂઆતો કરતા રહ્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી.