ક્લાઈમેટ ચેન્જ્ડ: ઉનાળો વહેલો શરૂ, ગુજરાતમાંં હોળી પહેલા જ હીટવેવ !
સૌરાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 સે.ને પાર સમગ્ર કચ્છ તથા રાજકોટ, જુનાગઢ, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં અત્યારથી 40થી 41 સે., હજુ ઉનાળો બાકી!
રાજકોટ, : ઠંડી તો હોળી તાપીને વિદાય લે તેવી સૌરાષ્ટ્રમાં સદીઓથી પ્રસિધ્ધ લોકવાયકા હવે વિશ્વમાં આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) વચ્ચે જળવાતી ન હોય તેમ ધોમધખતો તાપ માર્ચમાં જ શરૂ થઈ ગયો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના 8 સ્થળોએ તાપમાનનો પારો 40 સે.ને પાર થઈ ગયો હતો અને મૌસમ વિભાગ અઠવાડિયાથી ગુજરાતમાં હીટવેવની આગાહી કરી રહ્યું છે અને હજુ તા.16 સુધી હીટવેવની શક્યતા જણાવાઈ છે.
રાજ્યમાં માર્ચ મહિનામાં સર્વાધિક તાપમાન 43.9 સે.નો ઓલટાઈમ રેકોર્ડ છે અને ગત દાયકામાં 42 સે.સર્વાધિક તાપમાન નોંધાયુ છે. પરંતુ, આ તાપમાન માર્ચ માસના અંતે , છેલ્લા સપ્તાહમાં જ નોંધાતું હોય છે અને હજુ તો માર્ચનું બીજુ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યાં થર્મોમીટરમાં પારો ઉપર ચડવા લાગ્યો છે. હજુ ઉનાળાનો આરંભ છે, હજુ ઉનાળાના ચાર માસમાં સાડાત્રણ માસ બાકી છે અને ગુજરાતમાં માર્ચ કરતા એપ્રિલ,તેના કરતા મે અને જૂનમાં વધુ તાપ પડતો હોય છે.
મૌસમ વિભાગ અનુસાર આજે ભૂજ,નલિયા, કંડલા એમ સમગ્ર કચ્છમાં પારો 40 સે.ને આંબી ગયો હતો અને આવતીકાલે ત્યાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, જુનાગઢમાં તાપમાન 40 સે. તથા વેરાવળમાં 39 સે.તો અમદાવાદ અને સુરતમાં પણ 39 સે.તાપમાને સમગ્ર રાજ્યમાં અસહ્ય તાપનો અનુભવ થયો હતો.