Get The App

'..તારા જેવી બઉ ટોપીઓ આવી', મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'

ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં થયુ ઘર્ષણ, પોલીસ સમયસર આવી નહોત તો બન્ને વચ્ચે હાથાપાઇ થઇ ગઇ હોત

'એ તો 4 જુને ખબર પડશે કે તુ સાંસદ રહીશ કે નહી' : ચૈતર વસાવા

Updated: May 18th, 2024


Google NewsGoogle News
'..તારા જેવી બઉ ટોપીઓ આવી', મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..' 1 - image


Lok Sabha Elections 2024 | ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ-સામે આવી ગયેલા ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઇ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યાં હતાં અને મામલો ઉગ્ર બની ગયો હતો. 

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરી હતી કે 'ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું' જો કે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાથી જ ચૈતર વસાવા તેના સમર્થકો સાથે ત્યા હાજર જ હતા એટલે બન્ને પક્ષે તણાવ ઉભો થયો હતો. આ સમયે જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સવાલો કરતા સામે મનસુખ વસાવાએ પણ તેની ટિપીકલ સ્ટાઇલમાં જ જવાબો આપતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. ચાલો જાણીએ બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલીમાં તેઓ એકબીજાને શું-શું બોલ્યાં... 

'..તારા જેવી બઉ ટોપીઓ આવી', મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..' 2 - image

ચૈતર વસાવા : તમે જે આક્ષેપ કર્યો છે એનાં તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી ઉપર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો ?

મનસુખ વસાવા : હું અહિંયાનો સાંસદ છું. તુ અહી ખૌફ ઉભો કરે છે મને આ બાબતની જાણ થઇ એટલે મારે આવવું પડે.

ચૈતર વસાવા : એ તો 4 જુને ખબર પડી જશે કે તુ સાંસદ રહીશ કે નહી

મનસુખ વસાવા : તારી જેવી બઉ ટોપીઓ આવી ગઇ

ચૈતર વસાવા : તમે બુટલેગરો સાથે લઇને ફરો છો. હું નહી તમે ખોફ ઉભો કરો છો. છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઇ, ડેડિયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયુ ત્યારે કેમ તમે કશુ ના કર્યું, હમણા તમારી સરકાર છે તપાસ કરાવો.

આ દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું : તારી પાસે આટલો પૈસો કેવી રીતે આવ્યો, ભ્રષ્ટાચાર કરીને ?

ચૈતર વસાવાએ હિતેશ વસાવાને જવાબ આપ્યો : મારો દોઢ લાખ પગાર છે, તારા જેવો હું બુટલેગર નથી. 

ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કહ્યું : તમે દારૂના બુટલેગર અને આકડાનો ધંધો કરતા લોકો સાથે ફરો છે તમને શરમ આવવી જોઇએ

મનસુખ વસાવા : તુ નકલી દારૂ વેચવાનું બંધ કર

ચૈતર વસાવાની ચેતવણી , જો ખોટો કેસ થશેે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું

ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં આજે સાંજે ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય તથા લોકસભાની ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે ચૈતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખીતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો ખોટો કેસ થશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું.

ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે મે ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા હોય તેવી કોઇ ઘટના બની નહી હોવા છતાં ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ ખોટો બનાવ ઉપજાવી કાઢીને અશાંતિનો માહોલ કરેલ છે અને તાલુકા વિકાસ અધિકારીને ખોટો કેસ ઉભો કરવા દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે જે મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા કાવત્રુ છે જેના કારણે આ વિસ્તારની શાંતીનો ભંગ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવા તથા ભાજપના આગેવાનોની રહેશે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.


Google NewsGoogle News